નવા UPI MDR નિયમો 15 ઓક્ટોબરથી લાગુ થશે

દેશમાં ડિજિટલ પેમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટને સરળ બનાવતા UPIના મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDRના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 15 ઑક્ટોબર 2026થી નવા UPI MDR નિયમો લાગુ થશે.

આવામાં રિટેલ રોકાણકારો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું મ્યુચ્યુઅલ ફંડની SIP, ટ્રેડિંગ અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા અથવા FD કરાવવી મોંઘી થઈ જશે? શું રોકાણકારો પાસેથી કંપનીઓ અથવા બેંકો અલગથી UPI ચાર્જ વસૂલશે?

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) અને સરકારના નવા ફ્રેમવર્ક હેઠળ 15 ઑક્ટોબર 2026થી UPI ટ્રાન્ઝેક્શન પર નવા MDR નિયમો લાગુ થશે. તેના હેઠળ પર્સન-ટુ-પર્સન (P2P) અને ₹2,000 સુધીની મર્ચન્ટ પેમેન્ટ પર કોઈ MDR લાગશે નહીં.

જોકે, ₹2,000થી વધુની પસંદગીની મર્ચન્ટ પેમેન્ટ પર 0.4% અને કેપિટલ માર્કેટ- મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર વગેરેના ટ્રાન્ઝેક્શન પર 0.02% (મહત્તમ ₹300)નો રાહતદર MDR નક્કી કરવામાં આવ્યો છે.

જો તમારી SIP ‘UPI AutoPay’ અથવા ઑટોમેટેડ રિકરિંગ મૅન્ડેટથી ચાલી રહી છે, તો તેના પર કોઈ અસર નહીં પડે. બજાજકેપિટલના સંયુક્ત ચેરમેન અને એમડી સંજીવ બજાજના જણાવ્યા અનુસાર, રિકરિંગ મૅન્ડેટ્સ એટલે કે આપમેળે કપાતી ચુકવણીઓને આ નવા MDR નિયમમાંથી બહાર રાખવામાં આવી છે. તેથી ગ્રો, ઝેરોધાના કૉઇન અથવા ET મની જેવા પ્લેટફોર્મ્સ મારફતે થતી તમારી SIPની રકમ અને આવર્તનમાં કોઈ ફેરફાર નહીં થાય.

આનંદ રાઠી વેલ્થના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મુકેશ કુમાવત અનુસાર, જો તમે UPI AutoPay દ્વારા ₹5,000ની માસિક SIP કરો છો, તો તે સંપૂર્ણપણે MDR મુક્ત છે. પરંતુ જો તમે એ જ મ્યુચ્યુઅલ ફંડમાં મેન્યુઅલી એક જ વખત ₹10,000નું લમ્પ-સમ એટલે કે એકમુષ્ટ રોકાણ કરો છો, તો તે ટ્રાન્ઝૅક્શન 0.02%વાળા કૅપિટલ-માર્કેટ MDRના દાયરામાં આવશે.

આ ચાર્જ સીધો ગ્રાહક (રોકાણકાર) પાસેથી લઈ શકાતો નથી. સરકાર અને RBIના નિયમો અનુસાર, MDRની ચુકવણી પેમેન્ટ સ્વીકારતી કંપની (AMC અથવા પ્લેટફોર્મ)એ કરવાની હોય છે. બેંકો અને UPI એપ્સને કડક સૂચનાઓ છે કે તેઓ વેપારીઓ અથવા પ્લેટફોર્મ્સને આ ચાર્જ ગ્રાહકો પર નાખવાની મંજૂરી ન આપે.

જ્યારે તમે ટ્રેડિંગ અકાઉન્ટમાં પૈસા ઉમેરો છો, ત્યારે તેને કેપિટલ માર્કેટ ટ્રાન્ઝેક્શન માનવામાં આવે છે અને તેના પર 0.02% MDR લાગુ પડે છે. ઉદાહરણ તરીકે, ₹50,000 ટ્રાન્સફર કરવા પર ₹10નો MDR થશે.

સરાફ એન્ડ પાર્ટનર્સના સિનિયર પાર્ટનર વૈભવ કક્કડના જણાવ્યા મુજબ, આ ચાર્જ ફંડ ટ્રાન્સફર કરવા પર લાગે છે. એક વખત વૉલેટ અથવા ટ્રેડિંગ અકાઉન્ટમાં પૈસા આવી જાય પછી શેર અથવા ETF ખરીદવા પર અલગથી કોઈ UPI MDR લાગશે નહીં.

Leave a comment