મૂડીઝે GDP ગ્રોથનો અંદાજ 6%થી વધારીને 7% કર્યો

આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા G-20 દેશોમાં સૌથી ઝડપથી વધી શકે છે. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે આ અંદાજ વ્યક્ત કર્યો છે. એજન્સીએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6%થી વધારીને 7% કર્યો છે

મૂડીઝનું કહેવું છે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ છતાં ભારતીય અર્થવ્યવસ્થા પર તેની અસર અંદાજ કરતાં ઘણી ઓછી પડી છે. મજબૂત સ્થાનિક વપરાશ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારી ખર્ચ, પ્રાઈવેટ રોકાણમાં સુધારાના સંકેતો અને સર્વિસ સેક્ટરની સતત મજબૂતીને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ જળવાઈ રહી છે.

મૂડીઝનો નવો અંદાજ અન્ય મુખ્ય વૈશ્વિક અને સ્થાનિક નાણાકીય સંસ્થાઓની સરખામણીએ ઘણો વધારે છે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે અન્ય એજન્સીઓએ વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે પોતાના અંદાજ ઘટાડ્યા હતા, ત્યારે મૂડીઝે ભારતના ગ્રોથ રેટ અંગે વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મૂડીઝના રિપોર્ટ મુજબ, ભારતના આ ગ્રોથ પાછળ ઘરેલું માંગ (Domestic Demand) સૌથી મોટું કારણ છે. દેશમાં ખાનગી વપરાશ મજબૂત થયો છે અને ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન (મૂડી નિર્માણ)માં પણ તેજી યથાવત છે.

કંપનીઓ અને પ્રાઇવેટ સેક્ટરમાં નવા રોકાણ (Private Investment)ના પ્રારંભિક સંકેતો જોવા મળી રહ્યા છે. બીજી તરફ, સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિ સતત મજબૂત સ્થિતિમાં છે, જેના કારણે અર્થવ્યવસ્થાને બાહ્ય આંચકામાંથી બહાર આવવામાં મદદ મળી છે.

મૂડીઝે ભારતની સોવેરિન ક્રેડિટ રેટિંગને ‘Baa3’ પર જાળવી રાખી છે અને દેશનો આઉટલુક ‘સ્ટેબલ’ રાખ્યો છે. મૂડીઝનું કહેવું છે કે ભારતની અર્થવ્યવસ્થા ઘણી મોટી અને વૈવિધ્યસભર છે. જોકે, સરકાર પરનું દેવાનું ભારણ અને ઓછી માથાદીઠ આવક હજુ પણ પડકારો બની રહ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પોતાની રાજકોષીય ખાધ ઘટાડવાના લક્ષ્ય પર કાયમ છે. સરકારનો લક્ષ્ય તેને ગયા વર્ષના 4.4%થી ઘટાડીને નાણાકીય વર્ષ 2026-27માં 4.3% પર લાવવાનો છે.

પરંતુ જો આંતરરાષ્ટ્રીય બજારમાં ઊર્જાના ભાવ વધે છે, તો સરકારને સબસિડીનો બોજ ઉઠાવવો પડી શકે છે. ઉપરાંત, સંરક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચની જરૂરિયાતને કારણે સરકારી દેવામાં ઝડપથી ઘટાડો થવો મુશ્કેલ રહેશે.

Leave a comment