બાપુનગરમાં રહેતા રવિ ઠાકોરની ફરિયાદને આધારે પોલીસે મ્યૂલ બેંક એકાઉન્ટ કૌભાંડના માસ્ટર માઇન્ડ વરૂણ વર્માના સાગરિતની ધરપકડ કરી હતી. જ્યારે વરૂણ વર્મા હાલ ફરાર છે. ત્યારે આ કેસની પ્રાથમિક તપાસમાં પોલીસને 49 જેટલા મ્યૂલ બેંક એકાઉન્ટની વિગતો મળી છે. આ મ્યૂલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને મહેન્દ્ર શાહ અને મેઘ શાહના કરોડો રૂપિયાની હેરફેર થવાની સાથે ચાઇનીઝ ગેંગના નાણાં પણ જમા કરાવીને વિદેશમાં મોકલાયાની શક્યતા છે. જેથી આ તમામ બેંક એકાઉન્ટ અંગે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. જેમાં બેંક એકાઉન્ટ હોલ્ડર્સની પૂછપરછ કરવામાં આવશે.
બીજી તરફ પોલીસને મળેલી માહિતી મુજબ વરૂણ વર્મા અમદાવાદમાં સુરતના કુખ્યાત ચિરાગ ગોટી જેવી ધાક ઊભી કરીને તેનું નેટવર્ક બનાવવા માંગતો હતો. જેથી તેણે મહેન્દ્ર શાહ અને મેઘ શાહના કહેવાથી કેટલાક વેપારીઓને ઉઠાવીને હવાલાના નાણાં પરત અપાવવાનું કામ શરૂ કર્યું હતું. વેપારીઓ પાસેથી નાણાં કઢાવવા માટે તે તેમને નગ્ન કરીને મારીને વીડિયો બનાવતો હતો. પોલીસને પુરાવા રૂપે આ વીડિયો પણ મળ્યા છે. જે આ કેસ માટે મહત્વના પુરાવા છે. ઉલ્લેખનીય છે કે વરૂણ વર્માએ કામ કરવાની પેટર્ન ચિરાગ ગોટી જેવી બનાવી હતી.
આ ઉપરાંત, વર્ષ 2023માં વરૂણ વર્માને તેની સાથે કામ કરતા એક ખાસ વ્યક્તિ સાથે ધંધામાં નાણાંકીય વ્યવહારને લઇને તકરાર થઇ હતી. જેના કારણે અનેક લોકોના નાણાં ફસાઇ જતા કોંગ્રેસના એક કોર્પોરેટરને ત્યાં ખાસ મીટિંગ થઇ હતી અને કલાકો બાદ સમાધાન થયું હતું. ત્યારબાદ તે કોર્પોરેટરના નજીકના વ્યક્તિ સાથે ભાગીદારીમાં ફરીથી તેનો કારોબાર ધમધમતો થયો હતો. આમ, વરૂણ વર્મા કેસમાં આગામી સમયમાં હજુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
