સવારે ઉઠીતા જ ફોન, પછી ઓફિસ, ખાનગી ધંધો, કામ માટે દોડધામ સાથે ચા,નાસ્તો અને ખાવાનું પણ ઉતાવળે, આજના હાઇ યુગમાં તો મોટાભાગના લોકોની રોજિંદી જીવનશૈલી આવી જ અસ્વસ્થ થઈ ગઈ છે. પણ આ રોજિંદી ભાગદોડ આપણને ધીમે ધીમે એવા રોગ તરફ ધકેલી રહી છે જેનો અવાજ સંભળાતો નથી પણ બીલીપગે આવી શરીરમાં ઘર કરી જાય છે,જેનો ખયાલ પણ નથી આવતો. આવા રોગને ક્રોનિક અર્થાત્ લાંબા ગાળાના રોગ કહે છે.
અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે,ક્રોનિક રોગ એટલે લાંબા સમય સુધી ચાલતા રોગો. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગ, કેન્સર, અસ્થમા અને કિડનીની બીમારી આમાં મુખ્ય છે. આ રોગોની સૌથી મોટી ખાસિયત એ છે કે તે શરૂઆતમાં ચૂપચાપ આવે છે. ન દુઃખ કે દુખાવો કંઈ જ નહીં, તાવ – તપ નહીં. અને જ્યારે તકલીફ દેખાય ત્યારે ઘણીવાર મોડું થઈ ચૂક્યું હોય છે.
આપણી બદલાયેલી જીવનશૈલી આ રોગોનું સૌથી મોટું કારણ છે. બહારનું તૈયાર ખાણું, મીઠું-ખાંડ-તેલનો વધુ ઉપયોગ, કસરતનો અભાવ, ઊંઘ ઓછી અને સતત સ્ટ્રેસ. આ બધું ભેગું થઈને શરીરની અંદર ધીમે ધીમે નુકસાન કરે છે.મહત્વની વાત એ છે કે મોટાભાગના ક્રોનિક રોગોને માત્ર જાગૃતિ અને જીવનમાં નાના ફેરફારોથી અટકાવી શકાય છે.
દર ૬ મહિને એક વખત સુગર અને બી.પી. ચેક કરાવો. દિવસની ૩૦ મિનિટ વોકિંગને રોજનું કામ બનાવો.ભોજનની થાળીમાં અડધો ભાગ શાકભાજી અને ફળ રાખો. તણાવ રોકવા રોજ મિનિટ મેડિટેશન કે મનગમતું કામ કે કસરત કરો.અને સૌથી અગત્યની અને યાદ રાખવાની બાબત એ છે કે સ્વાસ્થ્ય કંઈ એક દિવસનું કામ નથી તેને રોજની આદત બનાવવી જોઈએ.
