ભારતની સુરક્ષા માટે CERT-Inએ તૈયાર કર્યો હાઈ-ટેક AI ‘વોર રૂમ’

દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ અને ઓનલાઈન આઈડેન્ટિટી વચ્ચે સાયબર સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ભારતની નોડલ સાયબર સિક્યોરિટી એજન્સી ‘CERT-In’ (ઇન્ડિયન કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ) દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત એક હાઈ-ટેક ‘વોર રૂમ’ની સ્થાપના કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયના સચિવ એસ. ક્રિષ્નને 13 જુલાઈના રોજ CERT-Inના દ્વિતીય ‘ડિજિટલ થ્રેટ રિપોર્ટ’ના લોન્ચિંગ દરમિયાન આ મહત્ત્વપૂર્ણ ઈનિશિએટિવની સત્તાવાર જાહેરાત કરી હતી.

IT સચિવ એસ. ક્રિષ્નને જણાવ્યું હતું કે, CERT-In હાલમાં સોફ્ટવેર અને સરકારી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેલી સુરક્ષા ખામીઓને ઓળખવા માટે એડવાન્સ AI મોડલ્સનું સખત પરીક્ષણ કરી રહ્યું છે.

એસ. ક્રિષ્નને ભારપૂર્વક જણાવ્યું હતું કે સાયબર સિક્યોરિટી એ કોઈ એક વખતનું કામ નથી, પરંતુ તેના માટે 24×7 સતત મોનિટરિંગની જરૂર પડે છે. તેમણે ચિંતા વ્યક્ત કરતાં ખુલાસો કર્યો કે, CERT-In દ્વારા વિગતવાર સિક્યોરિટી ઓડિટ અને એડવાઈઝરી જારી કરવામાં આવતી હોવા છતાં, કેટલીક સરકારી એજન્સીઓની વેબસાઈટ્સ અને ડિજિટલ અસેટ્સ પર હજુ પણ નિર્ધારિત સાયબર સુરક્ષા નિયમોનું સંપૂર્ણ પાલન થતું નથી. આ બેદરકારીને રોકવા માટે દરેક સ્તરે સતત જાગરૂકતા અને નજર રાખવી જરૂરી છે.

નેશનલ સાયબર સિક્યોરિટી માળખા અંગે વાત કરતાં IT સચિવે જણાવ્યું કે, ભારતમાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટરિએટ (NSCS) હેઠળ પહેલેથી જ એક મજબૂત રાષ્ટ્રીય ફ્રેમવર્ક કાર્યરત છે, જેમાં અલગ-અલગ સેક્ટર અને રાજ્ય સ્તરીય તંત્રો પણ કાર્ય કરે છે. જોકે, સાયબર હુમલાખોરો સામે રક્ષણાત્મક ઓપરેશન્સને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓ અને ઓર્ગેનાઈઝેશન્સ વચ્ચે વાસ્તવિક સમય પર સાચી માહિતીની આપ-લે થવી ખૂબ જ અનિવાર્ય છે. સંગઠનો વચ્ચેનો આ જ તાલમેલ ભારતના એકંદર ડિજિટલ સિક્યોરિટી માળખાને કોઈ પણ સંભવિત ખતરા સામે લોખંડી સુરક્ષા પ્રદાન કરશે.

Leave a comment