દૂરસંચાર નિયામક ટ્રાઈએ ગ્રાહકોના હિતમાં મોટું પગલું ભરતા ‘દૂરસંચાર ઉપભોક્તા સંરક્ષણ વિનિયમ, 2026’નો નવો મુસદ્દો જાહેર કર્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે- ‘ડેટા નથી જોઈતો, તો તેના પૈસા શા માટે આપવા?’ ટ્રાઈએ આ અંગે તમામ પક્ષો પાસેથી સૂચનો મંગાવ્યા છે, પછી તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
હાલમાં કંપનીઓ અમુક જ સમયગાળા માટે ‘ફક્ત કોલ-એસએમએસ’ પેક આપે છે. આનાથી ઘણા ગ્રાહકોને મજબૂરીમાં ડેટાવાળો મોંઘો પ્લાન લેવો પડે છે. હવે ટ્રાઈએ પ્રસ્તાવ મૂક્યો છે કે કંપનીઓ જેટલા દિવસોની માન્યતા જેમ કે 7, 28, 56 કે 84 દિવસનો ડેટાવાળો પ્લાન લાવે છે, તેટલા જ સમયગાળાનો ‘ફક્ત કોલ અને એસએમએસ’વાળો પ્લાન પણ લાવવો પડશે.
મોબાઇલ પ્લાન્સમાં 50-70% ખર્ચ ડેટાનો હોય છે, તેથી નવો નિયમ લાગુ થવા પર ફક્ત કોલ-એસએમએસવાળા પ્લાનની કિંમત અડધાથી પણ ઓછી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, 300 રૂપિયાનો પ્લાન 100 થી 150 રૂપિયામાં મળી શકે છે.
ફીચર ફોન યુઝર્સ અને વૃદ્ધોને, જેઓ ડેટાનો ઉપયોગ કરતા નથી. જેઓ બીજી સિમ માત્ર કોલ માટે રાખે છે. આ ઉપરાંત, જેમના ઘરોમાં વાઇફાઇ છે. તેમના માટે પણ આ ફાયદાકારક રહેશે.
