જી કે જનરલ હોસ્પિટલ ના મનોચિકિત્સકોએ અલ્ઝાઇમર માસ જૂન નિમિતે ઉજવાતા ભૂલવાની બીમારીના રોગ અંગે કર્યા સાવચેત

ભૂલી જવાનો રોગ આજકાલ ઝડપથી વધી રહ્યો છે.ઉમર વધવાની સાથે જેમ શરીરના કોષ ક્ષીણ થવા માંડે તેમ યાદશક્તિ પણ ઘટે છે. ભૂલકણપણાની બીમારીની આ શરૂઆત છે..કોઈનું નામ યાદ ન રહેવું, રસ્તા ભુલાઈ જવા,ઓળખી ન શકવું,ક્યારેક તો સવારે કે બપોરે શું ખાધું છે એ પણ યાદ ન રહે તેમજ નિર્ણય લેવાની ક્ષમતા પણ ઓછી થાય,સ્વભાવ અને વર્તનમાં ફેરફાર જેવા લક્ષણો દેખાય તો ભૂલવાની બીમારી અલ્ઝાઇમર રોગ કહેવાય છે.ભારતમાં આ રોગના અંદાજે ૮૮ લાખ સક્રિય કેસ છે.

અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો.રિદ્ધિબેન ઠક્કર જૂન ૨૦૨૬માં ઉજવાતા અલ્ઝાઇમર રોગ અંગે કહે છે કે. જો ભૂલવાની બીમારી  રોજિંદા દૈનિક કાર્યમાં અડચણ  અથવા ગૂંચવણ વધારે તો મનોરોગ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ,જેથી આ રોગને આગળ વધતો અટકાવી શકાય. અને વહેલું નિદાન થાય તો દર્દી અને પરિવારજનોને ભવિષ્ય માટે યોગ્ય આયોજન કરવામાં મદદરૂપ થાય.જી.કે.માં પ્રતિ માસે લગભગ ૨૦ થી ૨૫ જેટલા દર્દીઓ ભૂલવાની બીમારીની સારવાર લેવા આવે છે.

દરેક રોગના જોખમી  પરિબળો હોય છે એમ ભૂલી જવાના રોગ બાબતે  વધતી ઉંમર વધુ ભાગ ભજવે છે( ખાસ તો ૬૫ વર્ષ પછી),કૌટુંબિક ઇતિહાસના ફાળો પણ મોટો છે, હાઇ બી.પી અને હાઈ સુગર અસર કરે છે,હૃદય રોગ,ધૂમ્રપાન અને શરાબ,શારીરિક નિષ્ક્રિયતા અને માથામાં વાગવું એ મુખ્ય કારણ અને મુખ્ય જોખમ છે.

આ રોગ માત્ર દર્દીની જ નહીં, પરંતુ સમગ્ર પરિવારની પરીક્ષા લે છે:

ભૂલી જવાનો રોગ માત્ર દર્દીની જ નહીં, પરંતુ સમગ્ર પરિવારની પરીક્ષા લે છે. દર્દીની આવી  સંકટ ઘડીએ  પરિવારજનોએ ખુબજ લાગણીથી કામ લેવાની જરૂર છે. દર્દી ઉપર ગુસ્સો કરવાની બદલે દર્દીને સમજવા અને સ્વીકારવા. વારંવાર જવાબ આપવો પડે તો પણ ધીરજપૂર્વક વાતચીત કરવી, ઘરમાં સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું, દર્દીની દૈનિક નિયમિતતા જાળવવી, આત્મસન્માન સાચવવું. દર્દીને ભાવનાત્મક સહારો આપવો. દર્દીને ફોટોગ્રાફ્સ, મનપસંદ ગીતો અને પ્રસંગોની ચર્ચા કરી જૂની યાદોને જીવંત રાખવાની કોશીશ કરવી.તેમજ તબીબની સૂચના મુજબ દર્દીની સંભાળ રાખવી.

Leave a comment