~ અદાણી સંચાલિત GAIMS જી. કે. જન. આગામી દિવસોમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનશે
અદાણી સંચાલિત GAIMS જી. કે.જનરલ હોસ્પિટલમાં કચ્છના નગરજનો અને દૂર સુદુર વિસ્તારમાં વસતા દર્દીઓ માટે સુપર સ્પેશિયાલિટી સેવા શરૂ કરવાનો આશીર્વાદરૂપ બની રહે તેવો નિર્ણય અદાણી હેલ્થ કેર ગ્રુપ દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે કચ્છની આ સૌથી મોટી હોસ્પિટલમાં વિવિધ સુપર સ્પેશિયાલિટી સેવાઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે.
આ સેવાઓ શરૂ થતાં કચ્છના દર્દીઓને ઘરઆંગણે અને આર્થિક રીતે નબળા વર્ગોને પરવડે તેવી આધુનિક સુપર સ્પેશિયાલિટી સેવાઓ ઉપલબ્ધ બનશે. ગંભીર રોગની સારવાર અત્રે શરૂ થવાની સાથે દર્દીઓને કચ્છ બહાર જવું નહીં પડે સાથે સમયસર સારવાર મળતા જાનહાનિ નિવારાશે અને સાથે સમય પણ બચશે.
ભુજમાં સુપર સ્પેશિયાલિટી સેવાઓ શરૂ થવાની સાથે અદાણી મેડિકલ કોલેજમાં સંબંધિત વિષયોના ઉચ્ચ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે,જેથી ભવિષ્યમાં અનેક નિષ્ણાત તબીબો તૈયાર થતા સમાજ તબીબી ક્ષેત્રે સમૃધ્ધ બનશે.આમ કચ્છમાં સુપર સ્પેશિયાલિટી સેવા મેડિકલ અને શૈક્ષણિક જગત માટે મોરપીંછ સમાન બની રહેશે.
આ સેવા શરૂ કરવા માટે સ્થળ ઉપર માળખાકીય સુવિધાઓ, માનવ સંસાધન તથા આધુનિક મેડિકલ ઉપકરણો અંગેની જાત માહિતી મેળવવા આવેલા અદાણી હેલ્થ કેર ગ્રુપના ઉચ્ચ અધિકારીઓએ તાજેતરમાં સતત બે દિવસ સુધી ભુજમાં મેનેજમેન્ટ, હોસ્પિટલના વરિષ્ઠ તબીબો, ફેકલ્ટી સાથે શ્રેણીબધ્ધ બેઠકો પ્રયોજી કચ્છ માટે કાયમી ધોરણે કલ્યાણકારી બની રહે તેવો લોકલક્ષી નિર્ણય કર્યો છે.
અદાણી હેલ્થ કેર ગ્રુપના ટ્રસ્ટી ડો.મલય મહાદેવિયાના વડપણ હેઠળની ટીમમાં હેલ્થ કેર ગ્રુપના હેડ ડૉ.પંકજ દોશી, સી.ઈ.ઓ પ્રશાંત ઝવેરી તેમજ પ્રોજેક્ટ ટીમના સૌરીન ગાંધી, અંકિત મોતા તથા ગિરીશ થગારીયા જોડાયા હતા. જી.કે.માં સુપર સ્પેશિયાલિસ્ટ સેવા શરૂ કરવાની જરૂરિયાત અને અને આવશ્યક માળખાગત સુવિધાઓ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) સૂક્ષ્મ રીતે ચકાસી હતી.તત્કાલિન મેડિકલ ડાયરેક્ટ ડો.બાલાજી પિલ્લાઈ અને ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણીએ સાથે રહી,જરૂરી સગવડો અને ભાવિ આયોજન અંગે પૂરક માહિતી આપી હતી.
જી.કે.માં આ ઉપરાંત અનેકવિધ અત્યાધુનિક સેવાઓ જેમકે, કેન્સર સેન્ટર, ન્યૂરો સ્ટ્રોક ક્લિનિક,ટ્રોમા કેન્દ્ર, ટ્રાન્સપ્લાન્ટ, આધુનિક રોબોટિક સર્જરી, કેથલેબ, પેટ સ્કેન જેવી અધ્યતન વ્યવસ્થા ગોઠવવા માટે પણ તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો.
ગેઈમ્સમાં વિવિધ સુપર સ્પેશિયાલિટી સેવા ક્રમશઃ ઊભી કરાશે:
ગેઈમ્સમાં ઊભી થનારી અનેકવિધ સુપર સ્પેશિયાલિટી સારવાર જેમકે, કાર્ડિયોલોજી(હૃદયરોગ), ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી,નિયોનેટોલોજી(નવજાત શિશુ),મેડિકલ ઓન્કોલોજી (કેન્સર દવા), નેફ્રોલોજી (કિડની, ડાયાલિસિસ), ન્યૂરોલોજી (ચેતાતંત્ર), ક્રિટિકલ કેર મેડિસિન (ગંભીર સ્થિતિ), હેડ એન્ડ નેક સર્જરી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (પાચનતંત્ર),યુરોલોજી (પેશાબ અને પ્રજનન તંત્ર સર્જરી), પ્લાસ્ટિક સર્જરી, રેડિએશન ઓન્કોલોજી (કેન્સર), એન્ડોક્રિનોલોજી (હોર્મોન્સ અભ્યાસ અને સારવાર), સર્જિકલ ઓન્કોલોજી (કેન્સર સર્જરી) અને ન્યુરોસર્જરી…. વિગેરેનો સમાવેશ થાય છે.
