ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બુધવારે સાબરકાંઠા જિલ્લાના પોશીના અને વિજયનગર તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં પોશીનાના દાંતિયા ગામે વીજળી પડતા 17 વર્ષીય વિક્રમ માલાભાઈ તરારનું મોત થયું હતું. તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સાંજના સમયે અચાનક આવેલા વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન સર્જ્યું છે. અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા છે, જ્યારે વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થતા જનજીવન પ્રભાવિત બન્યું છે. વાવાઝોડાના કારણે વાહનો પણ પલટી ગયાં હતાં.
તો બીજી તરફ ગરમીથી થોડી રાહત મળ્યાં બાદ ફરી રાજ્યના મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થયો છે. ગતરોજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.9°C અને અમરેલીમાં 41.7°C નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, સત્તાવાર રીતે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવે આગામી દિવસોમાં તેની અસર દેશના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળશે. આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. સાથે જ આજે અને આવતીકાલે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે, તેમજ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. અમદાવાદનું મહત્તમ તાપમાન આગામી દિવસોમાં 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. જોકે આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દાવો કર્યો છે કે, કેરલમ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ ફરી એકવાર વધ્યો છે. સૌથી મોટો અને આશ્ચર્યજનક ઉછાળો ડીસામાં જોવા મળ્યો છે, જ્યાં તાપમાન 36.8°Cથી એકઝાટકે 3.9°C વધીને 40.7°Cએ પહોંચી ગયું છે. આ જ રીતે, ગાંધીનગરમાં 3.4°Cનો વધારો (36.2°Cથી 39.6°C) અને અમદાવાદમાં 3.2°Cનો વધારો (37.0°Cથી 40.2°C)નોંધાયો છે, જેના કારણે આ વિસ્તારોમાં ફરીથી 40.0°Cથી વધુ ગરમીનો અનુભવ થયો છે.
સૌરાષ્ટ્રના આંતરિક વિસ્તારોમાં પણ પારો નોંધપાત્ર રીતે ઊંચકાયો છે, જેમાં અમરેલીમાં 2.8°Cનો વધારો (38.9°Cથી 41.7°C) અને ભાવનગરમાં 2.5°Cનો વધારો (36.4°Cથી 38.9°C) સામેલ છે. ખાસ કરીને રાજકોટમાં તાપમાન 2.2°C વધીને 40.7°Cથી 42.9°C એ પહોંચી ગયું છે, જે 3 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન હતું. મધ્ય ગુજરાતના વડોદરામાં પણ 1.8°Cનો વધારો (36.4°C થી 38.2°C) જોવા મળ્યો છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં દ્વારકામાં 1.4°Cનો વધારો (33.8°Cથી 35.2°C), સુરતમાં 1.1°Cનો વધારો (34.5°Cથી 35.6°C) અને કંડલા એરપોર્ટ પર 0.2°Cનો સામાન્ય વધારો (41.0°Cથી 41.2°C) નોંધાયો છે.
બીજી તરફ, રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક મર્યાદિત દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઘટવાને કારણે ગરમીથી સામાન્ય રાહત મળી છે. એકંદરે, 2 જૂનની સરખામણીએ 3 જૂને દરિયાકાંઠાના થોડા ભાગોને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીનું જોર ફરી એકવાર પકડાયેલું જોવા મળ્યું છે.
