કચ્છના માધાપર ગામની ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી હિમધી ગિરીશભાઈ ચૌહાણે ગોવાના પણજી ખાતે યોજાયેલી 9મી રાષ્ટ્રીય ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેણે કુલ 6 મેડલ જીતીને કચ્છ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, જેમાં ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
આ ચાર દિવસીય ચેમ્પિયનશિપનું આયોજન પણજીના કેમ્પલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 28 મેથી 31 મે, 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશના 20થી વધુ રાજ્યોના 500થી પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો.
હિમધી ચૌહાણે વ્યક્તિગત ઇવેન્ટ્સમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો. તેણે 50 મીટર, 100 મીટર અને 200 મીટર ફિન સ્વિમિંગ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. આ ઉપરાંત, 400 મીટર ફિન સ્વિમિંગ સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવી એક બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
રીલે સ્પર્ધાઓમાં પણ હિમધીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે 50×4 રીલેમાં દ્વિતીય સ્થાન મેળવી એક સિલ્વર મેડલ અને 100×4 રીલેમાં તૃતીય સ્થાન મેળવી એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ, તેણે કુલ ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદ ખાતે 23 અને 24 મે, 2026 દરમિયાન યોજાયેલી SFI સિનિયર (ઓપન વિભાગ) રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં પણ હિમધીએ રાષ્ટ્રીય કક્ષાના મેડાલિસ્ટ ખેલાડીઓ સામે સ્પર્ધા કરીને 1500 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ તેમજ રીલે સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
કુ. હિમધી ચૌહાણની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાના પ્રમુખ વિનોદભાઈ સોલંકી અને કેળવણી મંડળના પ્રમુખ ડો. મનોજભાઈ સોલંકીએ તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
હિમધીની આ સતત સફળતાઓથી સમગ્ર કચ્છ જિલ્લામાં આનંદની લાગણી પ્રસરી છે. તેમને વિવિધ સંસ્થાઓ, રમતપ્રેમીઓ અને શુભેચ્છકો તરફથી અભિનંદનો મળી રહ્યા છે.
