આજથી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ, PM મોદી વર્ચ્યુઅલી જોડાશે

ગુજરાત અને દેશના રમતગમત ઇતિહાસમાં આજથી એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં આજથી પ્રથમ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ (WYC) 2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. યોગાસનને આંતરરાષ્ટ્રીય સ્તરે એક સત્તાવાર સ્પર્ધાત્મક રમત (Competitive Sport) તરીકે સ્થાપિત કરવાના પ્રયાસોમાં આ ચેમ્પિયનશિપને એક મોટું સીમાચિહ્ન માનવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં યોગની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે અને આ મંચ દુનિયાભરના યોગ પ્રેમીઓને એકસાથે લાવવામાં સફળ રહ્યો છે. વડાપ્રધાન આજે સાંજે આશરે 6:40 વાગ્યે વર્ચ્યુઅલ માધ્યમથી આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાશે.

આજથી એટલે કે, 4 જૂનથી 8 જૂન સુધી ચાલનારી આ પાંચ દિવસીય વૈશ્વિક ચેમ્પિયનશિપમાં અમેરિકા, ઘાના, કેન્યા, મલેશિયા, શ્રીલંકા અને ઉઝબેકિસ્તાન સહિત દુનિયાના 60થી વધુ દેશોના આશરે 400 જેટલા એથલીટ્સ ભાગ લઈ રહ્યા છે. આ તમામ વૈશ્વિક ખેલાડીઓ મુખ્યત્વે ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક યોગાસન, રિધમિક પેર અને ટીમ યોગાસનની રોમાંચક સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય બતાવશે.

યજમાન દેશ તરીકે ભારત તરફથી આ સ્પર્ધામાં 122 સભ્યોની મજબૂત ટીમ ઉતારવામાં આવી છે, જેમાં 10 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની વયના પુરુષ અને મહિલા એથલીટ્સનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ સબ-જૂનિયર, જૂનિયર અને સિનિયર સહિત કુલ 6 અલગ-અલગ વય જૂથ (કેટેગરીઝ)માં ભારતનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીતવા માટે દાવેદારી નોંધાવશે.

સ્પર્ધાના પરિણામોમાં સંપૂર્ણ પારદર્શિતા, સચોટતા અને સમાનતા જાળવી રાખવા માટે આયોજકો દ્વારા રમતગમતના ઇતિહાસમાં પ્રથમ વખત વૈશ્વિક સ્તરે અદ્યતન ‘ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ’ અમલમાં મૂકવામાં આવી છે. આ સમગ્ર હાઈ-ટેક ચેમ્પિયનશિપની દેખરેખ અને મૂલ્યાંકન 32 આંતરરાષ્ટ્રીય જજ અને 51 રાષ્ટ્રીય જજની એક ઉચ્ચ સ્તરીય પેનલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.

Leave a comment