દિવ્યાંગને માર મારનાર મહિલા PSI 4 દિવસ બાદ સસ્પેન્ડ

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજીને ઢોર માર મારનારા મહિલા PSIને અંતે ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભોગ બનનાર ગોપાલભાઈ દરજી દ્વારા સૌ પ્રથમ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી. મહિલા PSI માનવાત ભૂલ્યા હોવા છતા માર માર્યાના બીજા દિવસે ભોગ બનનારના ઘરે પહોંચી ગયા હતા અને સમાધાનના પ્રાસો હાથ ધર્યા હતા. જો કે, ભાસ્કર રિપોર્ટર ગોપાલભાઈના ઘરે પહોંચી જતા મહિલા PSI જવાબ આપ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા. આ સમગ્ર મામલાને લઈ ભારે હોબાળો થતા અંતે પોલીસે ચાર દિવસ બાદ મહિલા PSI સામે પગલાં લેવા પડ્યા છે.

આજે પીડિત ગોપાલભાઈ દરજીએ જણાવ્યું હતું કે મારી સાથે જે બનાવ બન્યો તેની મેં ફરિયાદ નોંધાવી છે.મહિલા PSI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેની મને હમણાં જાણ થઈ છે.

આ અંગે ACP એચ.એમ કણસાગરાએ જણાવ્યું કે પડીકું તૂટવાનો અવાજ આવતા દિવ્યાંગે હાથ મારતા બાળકને વાગ્યો હતો.જે બાદ બાળકના પિતાએ આવીને બોલાચાલી કરી હતી. બાળકના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસ દિવ્યાંગને લઈને પોલીસ સ્ટેશન આવી હતી. કોલ કરનાર પ્રતિકભાઈ બાળકને જમાડી આવવાનું કહીને નીકળી ગયા હતા.

દિવ્યાંગની માહિતી લેવામાં આવી રહી હતી. આ દરમિયાન PSI સોનલ રાઠોડે પોલીસ સ્ટેશનમાં આવીને દિવ્યાંગને પોલીસ સ્ટેશનમાં આવીને લાતો અને લાકડી મારી હતી, ત્યારે એક પોલીસકર્મીએ તેમને રોક્યા હતા. યુનિવર્સિટી પીઆઈએ પણ PSI સોનલ રાઠોડને રોક્યા હતા. જે બાદ દિવ્યાંગને પોલીસ તેમના પાર્લર પર પરત મૂકી આવી હતી.

બનાવના દિવસે રાતે પોલીસ હોસ્પિટલ ગઈ હતી.ગઈકાલે પણ પોલીસ ભોગ બનનારના ઘરે ગઈ હતી, પરંતુ કાલે પણ ફરિયાદ આપી નહોતી.જે બાદ આજે ફરિયાદ આપી છે. PSI સોનલ રાઠોડ વિરુદ્ધ BNSની રાઇટ ટુ પર્સન ડિસએબિલિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ એક્ટ હેઠળ 6 મહિનાથી 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. હાલમાં તપાસ કરીને પુરાવા ભેગા કરવામાં આવશે. આ તપાસમાં ગુજરાત યુનિવર્સિટીના પોલીસ કર્મચારીઓની પણ પૂછપરછ કરી નિવેદન લેવામાં આવશે. દિવ્યાંગને આ રીતે મારવા અયોગ્ય છે.

અમદાવાદમાં રહેતા અને પંચવટી વિસ્તારમાં PCO ચલાવતા ગોપાલભાઈ દરજી બંને આંખે દેખી શકતા નથી. જેથી તેઓ કેબીન પર પેકેટ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગોપાલભાઈનું માનીએ તો, તેમની કેબીન પર ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક છોકરાઓ પેકેટ તોડી જતા હોય છે. સોમવારે બપોરના સમયે પણ પેકેટનો અવાજ આવતા તેમને હાથ લાંબો કરતા એક બાળકનો હાથ પકડી લીધો હતો. જેના કારણે બાળકને ઈજા પહોંચી હતી.

સગીરે ઘટના બાબતે તેના પિતાને જાણ કરતા તેઓ કેબીન પર આવી પહોંચ્યા હતા અને મને ગાળો આપી હતી. ત્યારબાદ સગીરના પિતાએ તેમના પત્નીને અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

Leave a comment