~ નર્સિસ સેવા સાથે ઇમરજન્સીમાં શ્રેષ્ઠ યોગદાન પણ આપે છે
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં વિશ્વ નર્સિસ દિવસ નિમિતે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર નર્સિસનું ભાવસભર સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ, આઈ.સી.યુ. તેમજ જે નર્સ સતર્ક રહીને કામ કરે છે,તેવી “સેફ હેન્ડ” નર્સની સેવાનો સમાવેશ થાય છે.
અદાણી મેડિકલ કોલેજના ઓડિટોરિયમાં આયોજિત આ સન્માન કાર્યક્રમમાં બોલતા મેડિકલ ડાયરેક્ટર ડો.બાલાજી પિલ્લાઈએ સન્માનિત નર્સિંસ ને અભિનંદન આપી આ વર્ષની થીમ “આપણી નર્સ આપણું ભવિષ્ય અને સશક્ત નર્સ જીવન બચાવે છે” તેનો ઉલ્લેખ કરી કહ્યું કે,નર્સ ન માત્ર દર્દીઓની દેખભાળ કરે છે, પરંતુ ઇમરજન્સીમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન પણ આપે છે.
આ પ્રસંગે મેડિકલ કોલેજના આસિ. ડીન ડો.અજીત ખીલનાની અને હિતેશ આસુદાની,એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.મમતા ગોસ્વામી અને ડો.વિવેક પટેલે પરિચારિકાઓનું સન્માન કર્યું હતું. ક્લિનિકલ ઓપરેશનના હેડ ડો.વત્સલ પંડ્યા અને આસિ.નર્સિંગ સુપ્રિ.અપેક્ષા જૈન ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ બેટી થોમસે આવકાર પ્રવચનમાં કહ્યું કે,નર્સિસ પ્રત્યે આભાર અને સમ્માન વ્યક્ત કરવાનો ગરિમાસભર અવસર ગણાવી કહ્યું કે,નર્સોના સમર્પણ અને મહેનતને કારણે જ સ્વાસ્થ્ય સેવા પ્રણાલી મજબૂત છે.
આ પ્રસંગે તમામ નર્સોએ આધુનિક નર્સિંગ સેવાના જનક ગણાતા ફ્લોરેન્સ નાઇટિંગલના સન્માનમાં દર્દીની નિસ્વાર્થ સેવા,નિષ્ઠા,સમર્પણ,ગોપનીયતા નર્સિસના વ્યવસાયનો માન-મરતબો જાળવવાના શપથ લીધા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.
