~ હાયપર ટેન્શન હવે શહેર અને ગામડાંની સીમારેખા પણ પર કરી ગયું છે: યુવાનોને લપેટમાં લઈ રહ્યું છે
જો તમે ખાણીપીણીમાં સાવચેત નથી. તમારું જીવન બેઠાડું છે. સાથે વજન પણ વધી રહ્યું છે. તમાકુ અને આલ્કોહોલનું વ્યસન પણ છે, તો આ તમામ અસ્વસ્થ જીવનશૈલી સ્ટ્રોક અને હાર્ટ અટેક જેવી બીમારી તરફ દોરી જાય છે. આ સંજોગોમાં જો બી.પી. ૧૨૦/૮૦ ને પાર કરી જાય તો તેને હાઇપર ટેન્શન કહે છે. દુનિયામાં આજે ૧.૫ અબજ લોકો આ દર્દથી પીડિત છે અને દર ચોથો ભારતીય આ મુસીબતનો સામનો કરે છે.
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના આસિ. પ્રોફે. ડૉ. મોહિની શાહના જણાવ્યા પ્રમાણે હાઇપર ટેન્શન કિડની, મગજ જેવા અંગોને ખરાબ કરે એવો છૂપો રોગ છે. વયસ્કોને તેની હાજરીનો ખ્યાલ પણ નથી આવતો કે તેમને હાઇપર ટેન્શન છે. માથું દુખવું, ધૂંધળું દેખાવું આમ તો તેના સામાન્ય લક્ષણો છે પણ ગંભીર બને અને તો તેનો ઉપચાર અતિ આવશ્યક બને છે.
તેમના જણાવ્યા અનુસાર વિશ્વભરના કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે, આ સમસ્યા હવે વડીલો જ નહીં, યુવાનોને પણ તેજીથી લપેટી રહી છે. આ બીમારી હવે ગ્રામીણ અને શહેરી સીમા રેખાને પણ પાર કરી ગઈ છે. કારણ કે, આજકાલ તણાવ, અપૂરતી ઊંઘ, જંક અને પ્રોસેસ્ડ ફૂડ, સ્થૂળતા અને બેઠાડું જીવન દરેક જગ્યાએ જોવા મળે છે. માટે હવે એકલ દોકલ પ્રયાસોને બદલે નિરંતર પ્રયાસો જરૂરી છે.
હાયપર ટેન્શનના લક્ષણો:
જ્યાં સુધી બી.પી.ના લક્ષણો નો સવાલ છે, ત્યાં સુધી દરેકને પ્રાથમિક સ્પષ્ટ લક્ષણો જોવા નથી મળતા પરંતુ તેની રાહ જોવાને બદલે તપાસ કરાવી લેવી જરૂરી છે. અધિક બી.પી.હોય, માથું દુઃખે, ઝડપી ધબકારા ઉપરાંત જોખમી કક્ષામાં છાતીમાં દર્દ, ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ, જીવ મુંજાય, ધૂંધળું દેખાવું, નાકમાંથી લોહી આવવું, ધડકન અનિમિત થવી જેવા ભારે લક્ષણો દેખાય તો તબીબની સલાહ અનુસાર દવા સાથે જીવનશૈલી ઉપર ધ્યાન આપવું જરૂરી છે.
હાયપર ટેન્શનથી બચવાના ઉપાયો:
બી.પી. ન થાય તે માટે શરૂઆતથી જ સાવધ રહેવું જરૂરી છે. જીવનશૈલી પર કામ કરી સ્વસ્થ ખોરાક લેવો, ઓછા નમક વાળી ચીજ વસ્તુ ખાવી, ચાલવું, દોડવું, પૂરતી ઊંઘ, ફળ શાકભાજી લેવાં, સાથે વજન પણ ઓછું કરવું, ડોક્ટરના નિર્દેશ અનુસાર દવાઓ નું નિયમિત સેવન કરવું, હાયપર ટેન્શન જેવી બીમારી કોઈ અન્ય અંગોને પણ પ્રભાવિત કરે તે પહેલા તપાસ કરાવવી જરૂરી છે. આખું અનાજ અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો.
