અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભવ્ય જીત થતા ડોનાલ્ડ ટ્રમ્પને દુનિયાભરની દિગ્ગજ હસ્તીઓ તરફથી અભિનંદન મળી રહ્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્રમ્પને અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ગૌતમ અદાણીએ ડોનાલ્ડ ટ્રંપને અતૂટ દ્રઢતા, અતૂટ ધીરજ, દ્રઢનિશ્ચયી અને હિંમતના પ્રતિક સમાન ગણાવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ બાદ ટ્રમ્પ સૌ પ્રથમ એવા રાષ્ટ્રપતિ બન્યા છે જેમણે 4 વર્ષના લાંબા ગાળા બાદ ફરી સત્તા હાંસલ કરી છે.
બુધવારે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી-2024 ના પરિણામો જાહેર થતા હવે રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાથી ભારતને આંતરરાષ્ટ્રીય મોરચે વ્યાપાર સહિત વિવિધ ફાયદાની તકો સર્જાઈ શકે છે. સમગ્ર દુનિયાના રાજનેતાઓ અને બિઝનેસ ટાયકૂન ટ્રમ્પની ભવ્ય જીત બદલ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તેવામાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ડોનાલ્ટ ટ્રમ્પને તેમની આ અસામાન્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.
ગૌતમ અદાણીએ ટ્રમ્પને અભિનંદન પાઠવતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે કે, “અતૂટ દ્રઢતા, અતૂટ ધીરજ, અવિરત નિશ્ચય અને આત્મવિશ્વાસ સાથે હિંમતનું પ્રતિક એટલે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાની લોકશાહી તેના નાગરિકોને સશક્ત બનાવે છે અને દેશના સ્થાપક સિદ્ધાંતોને સમર્થન આપે છે. અમેરિકાના 47માં ચૂંટાયેલા પ્રમુખને ખૂબ અભિનંદન”
‘એક્સ’ પોસ્ટમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પનો જૂસ્સો દર્શાવતો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે, જેમાં હત્યાના પ્રયાસને કારણે તેમના કાનમાં ગોળી વાગી હતી અને ત્યારબાદ પણ તેમણે મુઠ્ઠી ઉંચી કરી અનોખી હિંમત દર્શાવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ 2016માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જો કે, ત્યારબાદ તેઓ વિપક્ષી ઉમેદવાર જૉ બાઈડેન સામેની 2020ની ચૂંટણી હારી ગયા હતા. તાજેતરની 2024ની ચૂંટણીમાં ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને જંગી મતોથી હરાવ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે મેળવેલી ભવ્ય જીત બાદ ટ્રમ્પે તેમના સમર્થકોનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગૌતમ અદાણી અને તેમના બિઝનેસ પર વિદેશી ધિરાણકર્તાઓનો વિશ્વાસ વધી રહ્યો છે. બીજી તરફ ધિરાણકર્તાઓ અને રોકાણકારોના ફંડિંગના કારણે કંપનીઓનું વેલ્યુએશન પણ સતત વધી રહ્યું છે.
