ભુજ શહેરમાં આવેલા પોલીસ તાલીમ ભવન ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ કચ્છના સહયોગથી સાયબર ક્રાઇમ અટકાવવા અંતર્ગત ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધંધા રોજગાર સાથે આમ નાગરિકોમાં સાયબર ક્રાઈમ સામે સાવચેતી કેળવાય તે માટે સાયબર સેલ દ્વારા પ્રોજેક્ટર સ્ક્રીન મારફતે ઝીણવટ ભરી માહિતી રજૂ કરવામાં આવી હતી. આ વેળાએ ઉપસ્થિત સમગ્ર જિલ્લાના વિવિધ વ્યાપારી મંડળના પ્રતિનિધિઓ અને નાગરિકોને પોલીસ અધિકારીઓએ ક્રમસરની જાણકારી પ્રદાન કરી હતી.
બોડર રેન્જ આઈજી જે.આર મોથલીયાની સૂચના અંતર્ગત પશ્વિમ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ભુજ તાલીમ ભવન ખાતે ચેમ્બર ઓફ કોમર્સના સયુંકત ઉપક્રમે સાયબર ક્રાઇમ અંગે માહિતી પ્રદાન કરતો જાગૃતિ સેમિનાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ ગોર સહિતના વેપારી અગ્રણીઓ સાથે જિલ્લામાંથી આવેલા વિવિધ વેપારી મંડળના પ્રતિનિધિઓ અને આમ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. હાજર લોકો સમક્ષ પોલીસ વિભાગના સાયબર સેલના અધિકારીઓ દ્વારા ડિજિટલ સ્ક્રીન મારફતે સાયબર ક્રાઇમથી થતા ગંભીર પ્રકારના આર્થિક, સામાજિક નુકસાન અંગે જાણકારી આપી સાયબર ક્રાઇમના પ્રકારો, કારણો અને તેનાથી બચાવ અંગેની વિગતવાર સમજ અપાઈ હતી. કાર્યક્રમમાં નાયબ પોલીસવડા, એસઓજી, સાઇબર સેલ સહિતના પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
