~ રેટિનલ ફંડસ કેમેરા નામક આધુનિક ઉપકરણ વસાવાયું
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુના આંખના પડદાની પરિસ્થિતિનું (આર. ઓ.પી. રેટીનાપથી ઓફ પ્રીમેચ્યુરીટી) નિદાન કરી શકાશે આંખ ના રેટિના યાને કે પડદાનો વિકાસ જાણવા માટે હોસ્પિટલમાં રેટીનલ ફંડસ કેમેરા નામનું જરૂરી અને આધુનિક ઉપકરણ વસાવવામાં આવ્યું છે.
અત્રે આંખ વિભાગના નિષ્ણાંત પ્રોફેસર ડૉ. કવિતાબેન શાહે કહ્યું કે, નવજાત શિશુ માટે આ જરૂરી યંત્ર બાળરોગ વિભાગમાં સ્થાપિત કરવામાં આવ્યું છે, જેના દ્વારા નવજાતની આંખનું સ્ક્રિનિંગ કરાશે અને બાળકના આંખના પડદાના વિકાસ ઉપર આ મશીન સચોટ પ્રકાશ પાડશે જેના દ્વારા તબીબો જાણી શકશે કે નવજાતમાં પડદાની સમસ્યા છે કે કેમ જેથી ભવિષ્યમાં નજરની ખામી થવાની સંભાવના ટાળી શકાય.
સામાન્ય રીતે માતાના ગર્ભમાં આંખના પડદાનો વિકાસ 20 થી 36 મહિને થાય છે. હવે બાળક જો અધૂરા મહિના જન્મે તો આવી સમસ્યા સર્જાઈ શકે છે. તેમાંય જો નવજાતનું વજન ૨ કિલોથી ઓછું હોય, જન્મ સમયે ઓક્સિજન ઉપર હોય તેમજ બાળકને પાંડુરોગ, શ્વાસની તકલીફ અને હૃદય રોગ હોય તો આંખની તપાસ ખાસ જરૂરી બને છે. તપાસમાં જો આ પ્રકારના લક્ષણો દેખાય તો માતા પિતાએ તુરંત બાળરોગ અને નેત્ર ચિકિત્સકની સલાહ અનુસાર સારવાર કરાવવી જરૂરી બને છે.
ડો. કવિતાબેન શાહે વધુમાં જણાવ્યું કે, આ તમામ લક્ષણો જન્મના ૧,૩,૪ અઠવાડિયા પછી દેખાતા હોવાથી આ સમયગાળામાં તપાસ જરૂરી બને છે. તપાસ કરતા પડદાની સમસ્યા જણાય તો કોઈ પણ વિલંબ વિના સારવાર લેવી જોઈએ. ઇન્જેક્શન અને લેસર દ્વારા ઉપચાર થાય છે.
