કચ્છના 68 કેન્દ્રો ઉપર 21 હજાર જેટલા ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે

~ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા ઉમેદવારે સીસીટીવીની સામે પોતાની ઓળખ આપવી પડશે જેથી ડમી ઉમેદવાર ઘુસી ન જાય

ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા ૭ મે ને રવિવારના રોજ રાજયભરમાં તલાટીની જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. ત્યારે કચ્છ જિલ્લાના ૬૮  કેન્દ્રોમાં નોંધાયેલ ૨૧ હજાર જેટલા  ઉમેદવારો આ પરીક્ષામાં જોડાનાર હોવાથી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરાઈ છે. જિલ્લાના ૨૧ હજાર જેટલા ઉમેદવારો ભુજ, ગાંધીધામ અને અંજારના ૬૮ કેન્દ્રો ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના અન્ય  જિલ્લાઓના કેન્દ્રો ખાતે પરીક્ષા આપવા જનાર હોવાથી એસ.ટી.ડીવીઝન ભુજ દ્વારા હાલ ઓનલાઈન રીઝર્વેશન કાઉન્ટર શરૂ કરાયું છે અને કેન્દ્ર વાઈઝ પાંચ પાંચ  એસ.ટી.બસો આ પરીક્ષાને લઈ દોડાવાશે. જરૂર પડયે વધારાની પણ બસો  દોડાવાશે. 

ગુજરાતભરમાં ખાલી પડેલી તલાટીઓની જગ્યાઓને લઈ વર્ષ ૨૦૨૨ માં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.અંદાજે ૩૪૩૭ જગ્યાઓ માટે ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરાયેલી જાહેરાતને પગલે રાજયભરમાંથી અંદાજે ૧૭ લાખથી વધુ ઉમેદવારો અને આ પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવી હતી.જોકે ૩૦ એપ્રિલના રોજ યોજાનાર આ પરીક્ષાની તારીખમાં પસંદગી મંડળ દ્વારા ફેરફાર કરી હવે ૭ મી મે ને રવિવારના રોજ આ પરીક્ષા યોજાનાર છે. ત્યારે કચ્છ જિલ્લાના ભુજ, અંજાર તેમજ ગાંધીધામના ૬૮ કેન્દ્રો માં નોંધાયેલા ૨૧ હજાર ઉમેદવારો સીસીટીવીની બાજ નજર અને સુપરવીઝન વચ્ચે આ પરીક્ષા આપનાર હોવાથી તંત્ર દ્વારા જરૂરી સ્ટાફ ફાળવણી, પ્રશ્નપત્ર માટે સ્ટ્રોંગરૂમથી માંડી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવાઈ છે. સ્થાનિકે પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા ન હોવાથી કચ્છના ઉમેદવારો પણ અન્ય જિલ્લાઓમાં પરીક્ષા આપવા જનાર હોવાથી નારાજગી સાથે આંતરિક રોષ જોવા મળે છે.

કચ્છના ૬૮ કેન્દ્રો ખાતે યોજાનાર આ સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત, મામલતદાર કચેરીના વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓ સહિત કર્મચારીઓ અને પોલીસ બંદોબસ્તની ફાળવણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. 

કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે, પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા ઉમેદવારે પોતાને સીસીટીવીની સામે પોતાના નામ સાથેની ઓળખ આપવી પડશે જેથી ડમી ઉમેદવાર ઘુસી ન જાય. ઉપરાંત કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પોલીસ પણ બોડી કેમેરાથી સજ્જ રહેશે.

Leave a comment