ગેઇમ્સના ફિઝિયોથેરાપીસ્ટે આ થેરાપીને વૈજ્ઞાનિક અને આડઅસર રહિત સારવાર ગણાવી

આજના બેઠાડુ જીવન, મોબાઈલ અને કોમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગથી કમર, ગરદન, ઘૂંટણ અને ખભાના દર્દ ઉપરાંત અન્ય રોગના દર્દીઓમાં  વધારો થયો છે. ઘણા દર્દીઓ દર્દ થતાં જ સીધા પેઈનકિલર તરફ દોડે છે, જે દર્દને દબાવે છે, મટાડતું નથી. ત્યારે ફિઝિયોથેરાપી એક વૈજ્ઞાનિક અને આડઅસર રહિત સારવાર તરીકે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

૮મી સપ્ટેમ્બર વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિતે અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટના જણાવ્યા મુજબ ફિઝિયોથેરાપીના અનેક ફાયદા છે.તેમણે આ સારવાર ક્યારે લેવી,તેની ભૂમિકા અને સાવધાની અંગે પ્રકાશ પાડ્યો હતો.

ફિઝિયોથેરાપી ક્યારે લેવી:

ફિઝિયોથેરાપિસ્ટ ડો.પૂજા ગોર અને ડો. દિતિ વેકરીયાના જણાવ્યા મુજબ કમરનો દુખાવો, ગરદન કે સાંધાનો દુખાવો. સવારે ઉઠતાં જ શરીર જકડાઈ જવું, હલનચલનમાં તકલીફ. લકવા (સ્ટ્રોક), ફ્રેક્ચર કે ઓપરેશન પછીની જડતા. રમત-ગમત દરમિયાન લાગેલી ઈજા, લિગામેન્ટ કે મસલ્સ ખેંચાવું. ઘૂંટણ ઘસાવું, સાઈટિકા, ફ્રોઝન શોલ્ડર મુખ્ય છે. ઉપરાંત પોસ્ટનેટલ, સેરેબ્રલ પાલ્સી, ડિલિવરી બાદ, કે દાઝી ગયા પછી પણ ઉપયોગી છે. ઘણીવાર ૪૦-૫૦ની ઉંમર પછી હસવાથી, ઉધરસ ખાવાથી, છીંકથી કે ભારે વજન ઉંચકવાથી યુરિન પાસ થઈ જાય છે, ત્યારે પેલ્વિક ફ્લોર અને કિગલ ફિઝિયોથેરાપી કામ લાગી શકે છે, પણ સંબંધિત તબીબની સલાહ પછી જ આગળ વધી શકાય.

દર્દમાં ફિઝિયોથેરાપીની ભૂમિકા:

ફિઝિયોથેરાપિસ્ટ ડો. અદિતિબા ચુડાસમા અને ડો. સૌમ્યા ગોરે કહ્યું કે,ફિઝિયોથેરાપી દર્દનું મૂળ કારણ શોધે છે, માત્ર દર્દની જગ્યા પર નહીં તેની પાછળની ખામી ઉપર પણ કામ કરે છે. કસરત થેરાપી, મેન્યુઅલ થેરાપી, ઈલેક્ટ્રો થેરાપી દ્વારા સ્નાયુને મજબૂત કરવા, સાંધાની ગતિ પાછી લાવવી અને દર્દને મટાડવું એ તેનો મુખ્ય રોલ છે. જે દર્દીને ફરીથી પોતાના પગ પર ઉભો કરવામાં આ થેરાપી મહત્વનું કામ કરે છે. માટે જ વૈશ્વિક સંસ્થાએ આ વર્ષે હૃદયરોગ અને સ્ટ્રોકના અટકાવ, વ્યવસ્થાપન અને પુનઃવાસનમાં શારીરિક પ્રવૃત્તિની મહત્વની ભૂમિકા થીમ તરીકે કેન્દ્રિત કરી છે.

સાવધાની:

ફિઝિયોથેરાપીનું મુખ્ય કામ તો દર્દને દૂર કરવાનું છે, દર્દીને તીવ્ર તાવ, ઈન્ફેક્શન કે કેન્સરની સ્થિતિમાં ડોક્ટરની સલાહ વિના થેરાપી ન લેવી. ખુલ્લા ઘા ઉપર સીધો શેક કે મસાજ ન કરવો. કોઈપણ બિન-લાયકાત ધરાવતી વ્યક્તિ પાસે મસાજ કે ખેંચ-તાણ કરાવવી નહીં. હંમેશા ડિગ્રીધારી (BPT/MPT) ફિઝિયોથેરાપિસ્ટનો જ સંપર્ક કરવો. દર્દ વધે તેવી કસરતો જાતે કરવી નહીં.

Leave a comment