ગેઈમ્સ ભુજની એનેસ્થેશિયા ટીમ સિમ્યુલેશન સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ

અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે.જનરલ હોસ્પિટલની એનેસ્થેશિયા ટીમે અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલ ખાતે તાજેતરમાં યોજાયેલી લાઇવ  એનેસ્થેસિયા ક્રાઇસીસ સિમ્યુલેશન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ નંબર હાંસલ કર્યો છે અને હવે કેરળ મુકામે આગામી નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની આ જ સ્પર્ધામાં ગેઈમ્સ  તથા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિઓલોજીસ્ટસ (ISA) ના સહયોગથી  આયોજિત આ હરીફાઈમાં ગુજરાતભરમાંથી કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. ગેઈમ્સની ટીમે ક્લિનિકલ જ્ઞાન, ટીમવર્ક, ઝડપી નિર્ણયક્ષમતા અને વ્યવહારુ એનેસ્થેશિયા કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.

આ વિજેતા ટીમમાં પ્રોફેસર ડૉ. જલદીપ પટેલ, રેસિ. ડૉ. રઘુનંદન શર્મા,  ડૉ. સ્તુતિ શાહ અને ડૉ. શિવમ સેનગરનો સમાવેશ થાય છે.ટીમની સફળતા બદલ  મેડિકલ ડાયરેક્ટર ડૉ. નરેન્દ્ર હિરાણી ડીન ડૉ. અજીતકુમાર ખિલનાની તથા એનેસ્થેશિયા વિભાગના હેડ ડૉ. મંદાકિની ઠક્કરે અભિનંદન આપી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા આપી હતી.

સિમ્યુલેશન એટલે શું?

સીધા દર્દી ઉપર પ્રયોગ કરતા પહેલા પૂતળા, મશીન કે વર્ચ્યુઅલ સોફ્ટવેર ઉપર કટોકટીની પરિસ્થિત  જેમકે હૃદય બંધ થવું, શ્વાસ અટકી જવો, બીપી ઘટી જાય તો શું કરવું એ બાબતને ક્રાઇસીસ સિમ્યુલેશન કહેવાય છે અર્થાત્ કટોકટીનો સામનો કેવી રીતે કરવો.

Leave a comment