ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના બીજા દિવસે આજે બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે. બપોરે 12થી 1 વાગ્યા દરમિયાન પ્રશ્નોત્તરી યોજાશે. જેમાં પોલીસ, ગૃહ વિભાગ, ઉદ્યોગ, પ્રવાસન, વાહન વ્યવહાર, આદિજાતિ વિકાસ, ખાદી-કુટીર અને આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નો પર ચર્ચા થશે.
પ્રશ્નોત્તરી બાદ ગૃહમાં 4 મહત્વના સુધારા બિલ રજૂ કરવામાં આવશે. જમીનના જૂના વ્યવહારોને નિયમિત કરવા, GSTમાં વેપારીઓ-નિકાસકારોને રાહત, પશુધન આહાર સંબંધિત નિયમો અને અનુદાનિત ખાનગી સ્કૂલોમાં ભરતીની પ્રક્રિયા અંગે આ બિલોમાં મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે.
ગુજરાત સરકારે GSTના નિયમોમાં કેટલાક મહત્વના ફેરફાર કરવા માટે બિલ લાવ્યું છે. આ ફેરફારથી ખાસ કરીને વેપારીઓ અને નિકાસ કરતા લોકોને ફાયદો થશે.
1. માલ વેચ્યા પછી ડિસ્કાઉન્ટ આપવું સરળ બનશે કંપની કે વેપારી માલ વેચ્યા પછી ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપે તો હવે તેની પ્રક્રિયા સરળ બનશે. આ માટે કંપની ક્રેડિટ નોટ આપશે અને ગ્રાહકે જેટલા ડિસ્કાઉન્ટ પર GSTનો લાભ લીધો હોય તેટલો ITC પરત કરવો પડશે.
2. ડિસ્કાઉન્ટ માટે ક્રેડિટ નોટ આપી શકાશે માલ વેચાઈ ગયા પછી ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો તેના માટે ક્રેડિટ નોટ આપવાની જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવી છે.
3. કેટલાક વેપારીઓને રિફંડ ઝડપથી મળશે જે વેપારીઓને માલ પર ચૂકવેલો GST અને વેચાણ વખતે વસૂલેલો GST અલગ હોવાના કારણે રિફંડ મળવાનું હોય, તેમાં પાત્ર કેસમાં 90% રિફંડ અગાઉથી મળી શકશે. બાકીની પ્રક્રિયા દસ્તાવેજોની ચકાસણી બાદ થશે.
4. નિકાસકારો માટે ₹1,000ની મર્યાદા દૂર થશે વિદેશમાં માલ મોકલીને GST ભરનાર નિકાસકારોને રિફંડ મેળવવામાં હાલની ₹1,000ની ન્યૂનતમ મર્યાદા દૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
