~ ગેઇમ્સમાં બે દિવસસીય નવજાત બાળકીના સ્પાઇનનું પડકારરૂપ ઓપરેશન કરી બચાવી લેવાઈ
ગેઇમ્સમાં ન્યૂરોસર્જને બે દિવસના નવજાતનું મેનીન્ગોમાયલોસેલ અવસ્થાનું જટિલ અને સમયસર ઓપરેશન કરી બાળકીને જીવનદાન આપવાની સાથે ભવિષ્યમાં સંભવિત ચેપ અને લકવાના જોખમથી પણ ઉગારી લીધી.
અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે.જનરલ હોસ્પિટલના ન્યૂરો સર્જન ડો.પ્રદ્યુમન ચોક્સીએ જણાવ્યું કે, અત્રે ગાયનેક વિભાગમાં જન્મેલી બાળકીના પીઠમાં કરોડરજ્જુ અને ચેતાઓ ગાંગડા સ્વરૂપે બહાર દેખાતા સ્ત્રીરોગના તબીબોએ સતર્કતા બતાવી તાત્કાલિક ન્યૂરો વિભાગનો સંપર્ક કર્યો. તપાસ કરતા તેનું મેનીન્ગોમાયલોસેલ નિદાન થયું અને તાત્કાલિક ઓપરેશનનો નિર્ણય લેવાયો. એનેસ્થેટિક તથા ન્યૂરો સર્જરીની ટીમના સહયોગથી પડકારરૂપ શસ્ત્રક્રિયા કરી બાળકીને બચાવી લેવાઈ.
મેનીન્ગોમાયલોસેલ: જન્મજાત કરોડરજ્જુની ખામી:
તબીબોએ કહ્યું કે, મેનીન્ગોમાયલોસેલ એ જન્મજાત કરોડરજ્જુની ખામી છે. ગર્ભમાં રહેલા શિશુના કરોડરજ્જુની હાડકી અને ચેતાઓ પુરી રીતે બંધ નથી થતી તેમજ જન્મ સુધી બહાર રહી જાય છે જન્મ સમયે ગાંગડા સ્વરૂપે દેખાતી આ સ્થિતનું જન્મના ૨૪ થી ૪૮ કલાકમાં ઓપરેશન કરવું પડે, અન્યથા ચેતાને કાયમી નુકસાન થવાની ભીતિ રહે છે.
ગર્ભસ્થ માતાએ ડોક્ટર્સની સલાહ વિના કોઈપણ દવા લેવાનું ટાળવું:
આ પ્રકારની સ્થિતિથી અટકાવવા ગર્ભસ્થ માતાએ ગર્ભધારણ દરમિયાન તબીબની સૂચના મુજબ ૩ મહિના સુધી ફોલિક એસિડની ગોળી લેવી, સંતુલિત આહાર લેવો, નિયમિત તપાસ કરાવવી અને ખાસ તો માતાઓએ ડોક્ટર્સની સલાહ વિના કોઈપણ દવા લેવાનું ટાળવું જ જોઈએ. તમાકુ અને દારૂના વ્યસનથી અળગા રહેવા સાથે સમયસર સારવાર અને નિદાન બાળકના ભવિષ્યને સુરક્ષિત રાખશે.
