અદાણી મેડિકલ કોલેજમાં પ્રાચીન  ગુરુ-શિષ્ય પરંપરાનું  આધુનિક સ્વરૂપ એટલે અનોખી “ઘરાના” શૈલી

~ અહીં પ્રોફે.માત્ર શિક્ષક જ નહીં પણ મેડિ.સ્ટુડન્ટ્સના મેન્ટર એટલે કે માર્ગદર્શક અને વાલીની ભૂમિકામાં

શિક્ષક દિન એટલે ગુરુ શિષ્યાના ઋણને યાદ કરવાનો સુવર્ણ અવસર.એક જમાનામાં ગુરુકુળ હતી, આજે શાળા કોલેજો છે.પરંતુ પરંપરા એજ છે,ત્યારે ભુજની અદાણી મેડિકલ કોલેજે આ ગુરુ શિષ્યના સંબંધને  વધુ ચરિતાર્થ કરવા “ઘરાના” પધ્ધતિનો નવતર પ્રારંભ કર્યો છે.

ગેઇમ્સના ડાયરેક્ટર ડો.નરેન્દ્ર હિરાણી અને ડીન ડો.અજીતકુમાર ખીલનાનીએ ઘરાનાનો ઉદ્દેશ જણાવતા કહ્યું કે,આજે જ્યારે અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, ત્યારે તેમને ઘર જેવી જ લાગણી અને વડીલ જેવું માર્ગદર્શન મળી રહે તે માટે કોલેજમાં આ અનોખો પ્રયોગ હાથ ધરાયો છે. અહીં પ્રોફેસર માત્ર શિક્ષક નથી, પણ મેન્ટર (માર્ગદર્શક)  અને વાલીની ભૂમિકામાં છે.

ઘરાના પદ્ધતિ શું છે:

અદાણી મેડિકલ કોલેજમાં ૧૦ ઘરાના બનાવવામાં આવ્યા છે. દરેક ઘરાનામાં ૭૫ વિદ્યાર્થીઓ અને ૫  મેન્ટર  છે. આમ કુલ ૭૫૦ વિદ્યાર્થીઓ માટે સરવાળે ૫૦ મેન્ટર પ્રોફેસર આ પદ્ધતિ સાથે જોડાયેલા છે. પ્રત્યેક ૧૦  ઘરાનાનું નામકારણ આપણી પ્રાચીન અને વિખ્યાત ભારતીય યુનિવર્સિટીઓની ગૌરવગાથાને યાદ કરીને રાખવામાં આવ્યું છે.જેમાં તક્ષશિલા, નાલંદા, વલ્લભી, વિક્રમશીલા, શારદા, જગદલા, મિથિલા, પુષ્પગીરી, નાગાર્જુના, મોરેના જેવી વિખ્યાત શૈક્ષણિક સંસ્થા મુખ્ય છે. આ નામાભિધાન વિદ્યાર્થીઓને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક અને જ્ઞાનરૂપી વારસાની  યાદ પણ અપાવે છે.

ઘરાનાનું સુત્ર: હોમ – અવે – ફ્રોમ – હોમ:

આ ઘરાનામાં મેન્ટર પ્રોફેસર પોતાના ૭૫  વિદ્યાર્થીઓ સાથે નિયમિત મળે છે. તેમના અભ્યાસ, હોસ્ટેલ જીવન, માનસિક સ્વાસ્થ્ય અને અંગત મુશ્કેલીઓ અંગે ચર્ચા કરે છે. જેથી તેમને ઘર જેવી જ લાગણી જળવાઈ રહે.તહેવારોની ઉજવણી, જન્મદિવસ કે સાથે ભોજન જેવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને પરિવારનું વાતાવરણ મળી રહે તેવો શુભ આશય  ઘરાનાનો રહેલો છે.હોમ – અવે – ફ્રોમ – હોમ ઘરાનાનું સુત્ર છે.

ઘરાના ભાવિ ડોક્ટર્સને સંવેદનશીલ અને સેવાભાવી બનાવશે: 

તબીબી શિક્ષણ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી, પરંતુ સંવેદના અને સંસ્કારનું ઘડતર છે. આ ઘરાના પ્રકારથી ગુરુ-શિષ્ય વચ્ચે ઔપચારિક સંબંધ નહીં, પરંતુ લાગણીસભર અતૂટ નાતો બંધાયો છે, જે ભવિષ્યના તબીબોને વધુ સંવેદનશીલ અને સેવાભાવી બનાવશે.ઉપરાંત વિધાર્થીઓની હાજરી,પરીક્ષામાં દેખાવ,સંશોધન,અભ્યાસ અને સહ અભ્યાસક્રમિક પ્રવૃતિઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

Leave a comment