અત્રે ગેઇમ્સમાં સર્જરી વિભાગે છેલ્લા એક અઠવાડિયામાં ૪ જેટલા બાળકો અને એક યુવાનના પેટમાંથી અકસ્માતે ગળી જવાયેલા ઘન પદાર્થો અને દવાની ગોળીનો એન્ડોસ્કોપી (દૂરબીન દ્વારા તપાસ અને સારવાર) દ્વારા સુરક્ષિત રીતે પેટમાંથી નિકાલ કરવામાં આવ્યો હતો.
અદાણી સંચાલિત ગેઇમ્સમાં જી. કે. જનરલ હોસ્પિટલના સર્જન ડો.સિધ્ધાર્થ શેઠિઆએ કહ્યું કે, ભૂલથી કે રમતા – રમતા બાળકો મેગ્નેટનો ટુકડો, લોખંડની ખીલી, બોટલનું ઢાંકણ પેટમાં ગળી ગયા હતા. તાત્કાલિક સારવાર માટે તેમને અત્રે લાવવામાં આવ્યા હતા. સમયસર તેમનું અપ્પર જીઆઈ એન્ડોસ્કોપી કરવામાં આવી અને વધુ નુકસાન થાય તે પહેલાં સલામત રીતે ગળાયેલા પદાર્થ દૂર કરી દેવાયા હતા.
પેટમાં ઊતરી ગયેલા જોખમી પદાર્થો લાંબો સમય રહે તો અવયવોમાં છિદ્ર,ચેપ કે આંતરિક ઇજા કરી શકે છે. આવા પદાર્થોના નિકાલ માટે ઓપરેશન કરવું પડતું, પરંતુ હવે અત્રે એન્ડોસ્કોપી શરૂ થતા મોટું ઓપરેશન ટાળી શકાય છે.
સર્જનના જણાવ્યા મુજબ એન્ડોસ્કોપીમાં પાતળી કેમેરાવાળી નળી મોઢા દ્વારા પેટ સુધી લઈ જવામાં આવે છે. જેમાં કોઈ કાપો કે ટાંકા નથી. દર્દીને બેભાન કરવાની જરૂર પડતી નથી. ગળું સુન્ન કરવાની અને હળવી ઊંઘની દવા જ પૂરતી છે. સરેરસ ૫ -૧૦ મિનિટમાં એન્ડોસ્કોપી પૂર્ણ થાય ને તે જ દિવસે દર્દીને ઘરે લઈ જઈ શકાય છે.
ગળી જવાય તેવી વસ્તુ બાળકોની પહોંચથી દૂર રાખવી:
નાના સિક્કા, પિન, બેટરી, ચુંબક અને રમકડાના ભાગો બાળકોની પહોંચથી દૂર રાખો. ખાતી-પીતી વખતે ઉતાવળ ન કરવી.ગળવામાં તકલીફ, છાતીમાં દુખાવો, ઉલ્ટી કે પેટ દુખે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો, ઘરગથ્થુ ઉપાય ન કરવા, બળજબરીથી ઉલ્ટી કરાવવી કે વધુ ખાવાનું આપવું જોખમી છે.
