જી.કે.જન.હોસ્પિ.માં મમતા, કરુણા અને વિજ્ઞાનના ત્રિવેણી સંગમ સમાન  મિલ્કબેન્કની એક વર્ષની  પ્રેરણાદાયી સફર

માતાનું દૂધ બાળક માટેનું પ્રથમ અને સૌથી શ્રેષ્ઠ ભોજન છે. પરંતુ બાળકના જન્મ પછી માતા  હોસ્પિટલમાં દાખલ હોય અને નવજાત NICUમાં હોય ત્યારે માતાનું દૂધ બાળકને કેમ આપવું  આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ભુજની અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા  શરૂ કરાયેલી “મિલ્ક બેન્ક”ની પ્રેરણાદાયી સફરને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

અત્રે કાર્યરત કચ્છ જિલ્લાની પ્રથમ મિલ્ક બેન્કની વાત્સલ્ય સમી સફરને એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે મિલ્ક બેંકના હેડ સંદીપ ટીલવાણીએ તેની શરૂઆત અને જરૂરિયાત કેટલી સંતોષાઈ અને સિદ્ધિ અંગે  કહ્યું કે, અગાઉ એવું થતું કે માતા વોર્ડમાં હોય અને બાળક NICUમાં ત્યારે મજબૂરીમાં ફોર્મ્યુલા એટલે કે પાવડરનું  દૂધ આપવું પડતું. જેના કારણે નાના બાળકોમાં ચેપ,અપચા સહિત અનેક જટિલતાઓની  ફરિયાદો સામે આવતી હતી.

મિલ્ક બેન્ક શરૂ થયા પછી હવે ચિત્ર સંપૂર્ણ  બદલાઈ ગયું છે. પંપથી દાતા માતાઓનું દૂધ લેવામાં આવે છે,તેને પાશ્વુરાઇઝ કરી (વૈજ્ઞાનિક પધ્ધતિથી પ્રોસેસ) અત્રેની માઇક્રો લેબમાં તેની સંપૂર્ણ તપાસ થાય છે અને ત્યારબાદ મૂળ માતાની મંજૂરી બાદ જ NICUમાં બાળકને દુગ્ધાપાન કરાવવામાં  આવે છે.પરિણામે નવજાત પણ ક્રમશઃ સ્વસ્થ થવા લાગે એમ બાળરોગ નિષ્ણાત ડો. યશ્વી દતાણી અને ડો.તરલ કેશરાણીએ જણાવ્યું હતું. 

હોસ્પિટલના નિયોનોટોલોજિસ્ટના જણાવ્યા પ્રમાણે એક વર્ષમાં મિલ્કબેન્ક  સ્ટાફના અવિરત  પ્રયત્નોથી ૧૮૦૦થી વધુ દૂધદાત્રી માતાઓ નવજાત માટે દેવદૂત બની આગળ આવી. જેમાંથી ૬૫૦ જેટલી માતાઓ તો  એવી હતી જેમને એક્સ્ટ્રા ધાવણ પણ  આવતું હતું. આ દૂધ દાનને કારણે ૫૩૨ પ્રિ-મેચ્યોર અને ઓછા વજનવાળા બાળકોને અત્રે  નવું જીવન મળ્યું છે.

મિલ્કબેન્કથી  ફાયદા:

તબીબોના જણાવ્યા પ્રમાણે સૌથી મોટો ફાયદો એ થયો કે ઓછા વજને રહેલા બાળકોનું વજન વધ્યું, અલ્પ વેઈટ વાળા બાળકોનો હોસ્પિટલમાં રહેવાનો સમય ઘટ્યો, માતાના દૂધનો મહિમા અવારનવાર સમજાવવાને કારણે જન્મદાત્રીઓને પણ લાગ્યું કે, માતાનું દૂધ જ સર્વોપરી અને પ્રથમ ભોજન છે માટે ઘરે ગયા પછી પણ માતાઓ હવે ફોર્મ્યુલાને બદલે પોતાનું ધાવણ જ આપવાનું પસંદ કરતી થઈ.

મિલ્કબેન્કનું દૂધ સગી માતા જેટલું અમૃત સમાન:    

કેટલીક માતાઓ પોતાના બાળકને અન્ય માતાનું દૂધ પીવડાવવાની પરવાનગી આપતી  નથી. આ એક વ્યક્તિગત માન્યતાનો સવાલ છે. જો કે મિલકબેન્કની નર્સો દરેક માતાને કાઉન્સેલિંગ કરીને સમજાવે છે કે લેબમાં સંપૂર્ણ પરીક્ષણ કરાયેલું દૂધ છે. બાળકને પાવડરનું દૂધ આપવાને બદલે બાળક માટે ધાત્રી માતાનું દૂધ શ્રેષ્ઠ અને સલામત સાથે તેની કોઈ પણ અડી અસર નથી અને  સગી માતા જેટલું જ અમૃત સમાન છે.

મિલ્કબેન્ક શામાટે જરૂરી :

જી.કે.ના બાળરોગ વિભાગમાં ઓછા વજનના, સમય પૂર્વે જન્મેલા નવજાત સારવાર માટે આવે છે. તેમના માટે માતાનું દૂધ જરૂરી છે. એવા ઉદ્દેશથી અત્રે મિલકબેન્કની સ્થાપના થઈ. બેંકમાં સ્વૈચ્છિક દાતા માતાનું સુરક્ષિત  દૂધ એકત્ર કરી,  ટેસ્ટ કરી, પાર્શ્વરાઇઝ કરી, સ્ટોર કરી જરૂરિયાતમંદ બાળકોને આપી શકાય છે. અકાળે જન્મેલા બાળકો માટે પાવડરના દૂધ કરતા ૧૦ ગણું સારું હોય છે.

Leave a comment