સાંસદ વિનોદ ચાવડાએ BSF જવાનો સાથે રક્ષાબંધન ઉજવણી

કચ્છ સરહદ પર દેશની સુરક્ષામાં તૈનાત BSF જવાનો સાથે સાંસદ વિનોદ ચાવડાએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. અબડાસા તાલુકાના અકરી BSF કેમ્પ ખાતે ‘સાંસદ સરહદ રક્ષાબંધન’ કાર્યક્રમ યોજાયો હતો.

ભાજપ સંગઠન સાથે જોડાયેલી બહેનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરહદની રક્ષા કરતા જવાનો પ્રત્યે સન્માન અને આત્મીયતા વ્યક્ત કરવામાં આવી.

રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર સંબંધ અને પરસ્પર રક્ષણના સંકલ્પનું પર્વ છે. પરિવારથી દૂર રહીને કઠિન ભૌગોલિક પરિસ્થિતિમાં દેશની રક્ષા કરતા જવાનો માટે આ પર્વનું વિશેષ મહત્વ છે. તેમની સાથે ખુશી વહેંચવાના હેતુથી દર વર્ષે સરહદી વિસ્તારોમાં આવા કાર્યક્રમો યોજાય છે.

કાર્યક્રમ દરમિયાન બહેનોએ BSFના જવાનોની કલાઈ પર રાખડી બાંધી દેશસેવા બદલ શુભેચ્છા પાઠવી. જવાનોનું મોઢું મીઠું કરાવી દરેક જવાનને મીઠાઈનું બોક્સ તથા શાલ અર્પણ કરી સન્માનિત કરાયા.

સાંસદ વિનોદ ચાવડાએ જવાનોની અડગ ફરજ, સાહસ અને દેશ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી.

અકરી BSF કેમ્પ તરફથી કમાન્ડન્ટ જગબીરસિંહ બદવાર, ડેપ્યુટી કમાન્ડન્ટ રાકેશપતિ કુશવાહા અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ આશિષકુમાર વર્માએ મહેમાનોનું સ્વાગત કરી ઉપસ્થિત જવાનોનો પરિચય કરાવ્યો. આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકરો તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સરહદની કઠિન પરિસ્થિતિ વચ્ચે જવાનોને મળેલી રાખડી સમાજ તરફથી મળતા પ્રેમ અને દેશની સુરક્ષા માટેના તેમના યોગદાન પ્રત્યે કૃતજ્ઞતાનું પ્રતીક બની હતી.

Leave a comment