કચ્છમાં ‘એનાલોગ પનીર-ચીઝ’ સામે તંત્રનો સપાટો

કચ્છ જિલ્લામાં પનીર અને ચીઝના નામે વેચાતા કૃત્રિમ તથા ભળતા પદાર્થોના ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્દેશોના અમલીકરણના ભાગરૂપે ભુજ-કચ્છના ફૂડ સેફ્ટી વિભાગે જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલી હોટલો, રેસ્ટોરન્ટો તેમજ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓમાં આકસ્મિક તપાસ કરી હતી. કાર્યવાહી દરમિયાન કુલ 18 જેટલી પેઢીઓની ચકાસણી કરવામાં આવી હતી.

ફૂડ સેફ્ટી ઑફિસર એસ.બી. પટેલ, એમ.એમ. પટેલ અને વી.એમ. બરંડાની ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં વેપારીઓ અને સંચાલકોને પનીર તથા ચીઝના નામે વેચાતા ‘એનાલોગ’ ઉત્પાદનો અંગે સરકારના પ્રતિબંધથી માહિતગાર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, ગ્રાહકોને મૂળ ડેરી ઉત્પાદનોના નામે કૃત્રિમ અથવા વિકલ્પરૂપ પદાર્થો વેચવામાં આવે નહીં તેમજ આવા પદાર્થોનો સંગ્રહ કે ખાદ્ય વાનગીઓમાં ઉપયોગ પણ ન થાય.

તપાસ દરમિયાન અધિકારીઓએ ખાસ કરીને ખાદ્યપદાર્થોની ગુણવત્તા, ઉત્પાદન અને સંગ્રહની પદ્ધતિ તેમજ વેચાણ સંબંધિત બાબતોની ચકાસણી કરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આગામી સમયમાં કડક કાર્યવાહી થઈ શકે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, જાહેર આરોગ્ય સાથે સંકળાયેલા નિયમોના ભંગને કોઈપણ સંજોગોમાં હળવાશથી લેવામાં આવશે નહીં.

આ વિશેષ ઝુંબેશ દરમિયાન શંકાસ્પદ જણાયેલા પનીર સહિતના વિવિધ ખાદ્યપદાર્થોના કુલ સાત નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને વૈજ્ઞાનિક પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હવે લેબોરેટરીના રિપોર્ટ પર તંત્રની આગામી કાર્યવાહીનો આધાર રહેશે.

જો તપાસમાં કોઈ નમૂનો નિર્ધારિત ગુણવત્તા ધોરણોથી વિરુદ્ધ, સબ-સ્ટાન્ડર્ડ અથવા ભેળસેળયુક્ત હોવાનું સામે આવશે તો સંબંધિત ઉત્પાદક, વેપારી અથવા પેઢી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કચ્છમાં શરૂ થયેલી આ ઝુંબેશથી ખાદ્યપદાર્થોના વેપારીઓમાં પણ નિયમોના પાલન અંગે સાવચેતી વધી છે.

Leave a comment