જી કે જનરલ હોસ્પિ. માં પેટના કેન્સરથી પીડિત દર્દી માટે આશાની નવી કિરણ દેખાઈ

~ આંતરડાના કેન્સરથી પીડિત મહિલાની સફળતાપૂર્વક  સાયટોરીડક્શન અને હાઇપેક સર્જરી કરી આપ્યું જીવતદાન

~ જી.કે.માં કેન્સર માટે હાઇપેક સર્જરી પ્રથમ વાર કરાઈ

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં મોટા આંતરડાના કેન્સરથી પીડિત યુવા મહિલા ઉપર સાયટોરીડક્શન અને હાઇપેક સર્જરી સફળતાપૂર્વક કરાતા પેટના કેન્સરથી પીડિત દર્દી માટે આશાની નવી કિરણ દેખાઈ છે.

હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગના ઓન્કોસર્જન ડો.હેત સોનીએ જણાવ્યું કે,પેટમાં અસહ્ય દર્દ અને બે મહિનાથી સંડાશમાં લોહી આવવાની ફરિયાદ સાથે બહેન હોસ્પિટલમાં આવ્યા હતા.તેમની ફરિયાદને પગલે સોનોગ્રાફી,સિટીસકેન અને પેટસિટી(આખા શરીરનું સ્ક્રીનીંગ) કરાવતા મોટા આંતરડાનું અને સાથે પેટના કેટલાક ભાગમાં ફેલાયેલા કેન્સરનું નિદાન સ્પષ્ટ થયું.

આ ગંભીર અને જટિલ સ્થિતિમાં બહેનને જીવતદાન આપવા  ઓપરેશન આવશ્યક હોવાથી શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી.જેમાં મોટા આંતરડા છેવાડાના સહિત અન્ય ભાગમાં જ્યાં કેન્સર હતું તે ભાગમાં રહેલી કેન્સરની ગાંઠ દૂર કરવામાં આવી. એટલું જ નહીં,પેટમાં જ્યાં કેન્સર ફેલાવવાની શક્યતા હોય તેવા સંભવિત અંગો જેમકે,એપેન્ડિક્સ, પિતાશય જેવા પાર્ટસ પણ દૂર કરાયા.

આ ઓપરેશનની સાથે સાથે શરીરના બીજા કેટલાક હિસ્સામાં ક્યાંય પણ કેન્સરના કોષો બચી ગયા હોય તો તેનો નાશ કરવા હાઇપેક સર્જરી કરવામાં આવી.ઓપરેશન બાદ મહિલાને ૧૦ દિવસ સુધી ICU ની સારવાર આપી, સ્વસ્થ કરીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો.ડો.હેત સોનીના જણાવ્યા મુજબ જી.કે.માં કેન્સર માટે હાઇપેક સર્જરી પ્રથમ વાર કરવામાં આવી છે.સતત ૫ કલાક ચાલેલા આ ઓપરેશનમાં સર્જન ડો.કૃણાલ શેઠ, ડો.વૈભવ સોલંકી અને અન્ય સ્ટાફ જોડાયા હતા.

હાઇપેક સર્જરી શું છે:

સર્જન પેટના કેન્સરમાં પ્રથમ સાઇટોરીડક્સન ઓપરેશન કરીને પેટમાં દેખાતી તમામ કેન્સરની ગાંઠને દૂર કર્યાં પછી તુરત પેટને બંધ કર્યા વિના ૪૨ થી ૪૩ ડિગ્રી.સેં ગરમ કીમોથેરાપી દવા ૯૦ મિનિટ શરીરમાં ફેરવવામાં આવે છે, જેથી કેન્સરના કોષો દવાને શોષી લેવાના પ્રયાસમાં મૃત્યુ પામે છે.અને કેન્સર ફરીથી થવાની શક્યતા ઓછી થાય છે.

Leave a comment