જી.કે. જન. માં સતત ૬ દિવસ સ્તનપાન સપ્તાહની કરાઈ ઉજવણી

~ માતાનું દૂધ બાળકનો જન્મજાત અધિકાર તેનાથી કોઈપણ બાળકને વંચિત ન રખાય

સ્તનપાન આગામી પેઢી માટે મજબૂત પાયો છે, એ વિષયવસ્તુ હેઠળ અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા “વિશ્વ સ્તનપાન સપ્તાહ”ની ( ઓગસ્ટ ૧થી૭) કરાયેલી ઉજવણી દરમિયાન સ્તનપાન સામેના પડકારો, નર્સિંગ સ્ટાફ માટે ક્વિઝ સ્પર્ધા, ધાત્રી માતાઓ માટે જાગૃતિ સત્ર, પોસ્ટર સ્પર્ધા અને મિલ્કબેંક ઉપર ગેસ્ટ લેક્ચર સહિતના ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળરોગ વિભાગના હેડ ડૉ.રેખાબેન થડાની અને મિલ્કબેન્કના વડા ડો.સંદીપ ટીલવાણીએ સતત ૬ દિવસ સુધી માર્ગદર્શન આપતા જણાવ્યું કે, સ્તનપાન એ નવજાત માટેની પ્રથમ રસી છે. તેમણે દરેક માતાને સંકલ્પ લેવા જણાવી કહ્યું કે, દરેક માતા બાળકને અચૂક સ્તનપાન કરાવશે. જન્મના એક કલાકમાં અને ૬ મહિના સુધી ફક્ત સ્તનપાન બાળકને નિરોગી બનાવે છે.

માતાનું દૂધ બાળકનો જન્મજાત અધિકાર છે, એ અધિકારથી કોઈપણ બાળકને વંચિત ન રખાય. માતાનું દૂધ બાળકને તો સ્વસ્થ રાખે છે, પણ સ્તનપાન માતા માટે પણ કેટલાક રોગ સામે ઢાલ બને છે.

આ પ્રસંગે હોસ્પિટલના ડાયેટ વિભાગ મારફતે ધાત્રી માતાઓને પૌષ્ટિક શીરાનુ ભોજન પીરસવા આવ્યું હતું એમ ડાયેટિશ્યન પૃથ્વીબેન લખલાનીએ કહ્યું હતું. આશાપુરા ફાઉન્ડેશન તરફથી ધાત્રિ માતાઓને કાટલાંના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્તનપાન સપ્તાહ નિમિત્તે જીજ્ઞાબેન બાલાપુરિયા અને વંદનાબેન ગોસ્વામી હાજર રહ્યા હતા. નર્સિંગ સ્ટાફ, ડોક્ટર્સ, વિધાર્થીઓ અને માતાઓ ઉપસ્થિત રહી હતી.

મિલ્કબેન્ક:

જે માતાઓનું દૂધ ઓછું આવે, NICUમાં દાખલ પ્રિમેચ્યોર બાળકો, જેની માતા બીમાર હોય એવા બાળકો માટે સ્વસ્થ માતાઓ વધારાનું દૂધ ડોનેટ કરે તેને ટેસ્ટ, પાશ્ચરાઇઝ કર્યા પછી સ્ટોર કરી જરૂરિયાતવાળા બાળકોને આપવામાં આવે છે. સુરક્ષિત હોય છે અને ચેપનું જોખમ ઓછું, રોગપ્રતિકારક શક્તિ આપે, બાળકને ઇન્ફેક્શન અને ઝાડા જેવી બીમારીથી બચાવે, પ્રિમેચ્યોર બાળકોનું વજન ઝડપથી વધે છે એમ હ્યુમન મિલ્કબેન્ક ઉપર કેરાલા થ્રિસુરના આમલા ઈસ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સના નવજાત શિશુ વિશેષજ્ઞ આસિ. પ્રોફે. અને ડો. રેશ્મા રાજે  જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જી.કે. ખાતેની મિલ્કબેન્ક ઉપયોગી પુરવાર થઈ રહી છે.

Leave a comment