ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ વિરોધી ઓપરેશન અંતર્ગત આનંદનગર પોલીસે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપનાર પાલડીના એક યુવકની ધરપકડ કરી છે. આરોપી પ્રશમ મુનીરભાઈ શાહે 50 હજારના બદલામાં પોતાનું બેંક એકાઉન્ટ, તેની કીટ અને ચાલુ સિમકાર્ડ વાસણાના ‘બિટ્ટુ’ નામના વ્યક્તિને આપ્યા હતા. તપાસ દરમિયાન તેના બેંક ખાતામાં માત્ર 6 મહિનામાં 1.50 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે.
આનંદનગર PI આર. એસ. પરમારની ટીમે એકાઉન્ટ ભાડે આપતા તત્વો સામે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ બેંક એકાઉન્ટની માહિતી મળી હતી, જેમાં સાયબર ફ્રોડના નાણાં જમા થયા હોવાની વિગતો સામે આવી હતી. તપાસના આધારે પોલીસે પાલડીના વિકાસ ગૃહ રોડ પર આવેલા નવ દર્શન ફ્લેટમાં રહેતા પ્રશમ મુનીરભાઈ શાહની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
આનંદનગર પોલીસના મામાભાઇ નરેશભાઇ અને વિજયભાએ પ્રશમ ઝીણવટભરી તપાસ કરતાં પ્રશમે પોતાનું બેંક એકાઉન્ટ 50 હજારના બદલામાં વાસણાના ‘બિટ્ટુ’ને ભાડે આપ્યાની કબૂલાત કરી હતી.તેણે બેંક એકાઉન્ટની કીટ, એટીએમ કાર્ડ તેમજ પોતાના નામે ચાલુ સિમકાર્ડ અને મોબાઇલ પણ બિટ્ટુને સોંપ્યા હોવાનું સામે આવ્યું છે.વધુમાં, બિટ્ટુએ પ્રશમના નામે અન્ય બે સિમકાર્ડ પણ મેળવ્યા હતા અને તેનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ તપાસમાં પ્રસંગના બેંક ખાતામાં દોઢ મહિનાના ગાળામાં 1.50 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. હાલ આનંદનગર પોલીસે પ્રસંગ મુનીરભાઈ શાહની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર બિટ્ટુ સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે શહેરના જરૂરીયાતમંદ લોકોને જુદી જુદી સહાયની લાલચ આપી તેમના એકાઉન્ટ ભાડે લઇ સાયબર માફીયાઓનો પ્રોવાઇડ કરતી ગેંગ શહેરમાં સક્રીય થઇ છે. તેની પણ શહેર પોલીસ તપાસ કરી રહી છે.
