~ કાર્ડિયાક એરેસ્ટના દર્દી હોસ્પિટલ પહોંચે તે પહેલા પદ્ધતિસરનું સીપીઆર સંજીવની
હૃદય અચાનક બંધ થઈ જવું (કાર્ડિયાક અરેસ્ટ) એ અત્યંત ગંભીર અને જીવલેણ સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હૃદય-ફેફસાં પુનર્જીવન પ્રક્રિયા (સીપીઆર) શરૂ કરી બચાવી શકાય છે. આ પ્રક્રિયા જીવનદાન આપવાની સૌથી મહત્વપૂર્ણ કડી છે એમ અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલની કોડ બ્લ્યુ ટીમના તબીબોએ જણાવ્યું હતું.
તબીબોના જણાવ્યા મુજબ કાર્ડિયાક અરેસ્ટ પછી મગજને ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે. જો પ્રથમ થોડી જ મિનિટોમાં સીપીઆર શરૂ કરવામાં ન આવે, તો ઓક્સિજનના અભાવે મગજને ગંભીર નુકસાન (હાયપોક્સિક બ્રેઇન ઇન્જરી) થવાનો ખતરો રહે છે. આ સ્થિતિમાં દર્દીનો જીવ બચી જાય તો પણ મગજને નુકસાન થઈ શકે છે. આ સંજોગોમાં સમયસર શરૂ કરાયેલ સીપીઆર માત્ર જીવન જ નહીં, પરંતુ મગજને સુરક્ષિત રાખવામાં પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
આ સમયે આસપાસ હાજર સામાન્ય નાગરિકો, પરિવારજનો દ્વારા આપવામાં આવતું પ્રાથમિક સીપીઆર (બાયસ્ટાન્ડર સીપીઆર) દર્દીના જીવિત રહેવાની શક્યતા અનેકગણી વધારી શકે છે. એમ્બ્યુલન્સ પહોંચે અથવા હોસ્પિટલમાં સારવાર શરૂ થાય ત્યાં સુધી અપાયેલ ગુણવત્તાયુક્ત સીપીઆર દર્દી માટે જીવનદાયી સાબિત થઈ શકે છે.
ગત એક વર્ષ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટ થયેલા કુલ ૬ દર્દીઓ સફળ સારવાર બાદ સંપૂર્ણ સુધારા સાથે ઘરે રજા મેળવી શક્યા છે. આ સફળતામાં સમયસર શરૂ કરાયેલ સીપીઆર, ઘટના સ્થળે આપવામાં આવેલી પ્રાથમિક સારવાર, તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા અન્ય આરોગ્યક ર્મીઓના સંકલિત ટીમવર્ક અને સમયસરની સુવ્યવસ્થિત સારવારનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.
અદાણી મેડિકલ કોલેજ અને ગેઇમ્સ દ્વારા જનજાગૃતિના ભાગરૂપે ગત એક વર્ષ દરમિયાન સુયોગ સ્કિલ લેબ દ્વારા કુલ ૧૧૨૦ જેટલા ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ કર્મચારીઓને બેઝિક લાઇફ સપોર્ટ (બીએલએસ)ની તાલીમ આપવામાં આવી છે. વધુમાં વધુ લોકો સીપીઆરની તાલીમ મેળવે અને જરૂરિયાત સમયે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરી શકે તે માટે સતત તાલીમ અને જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જોખમ ઘટાડવા શું કરવું:
કાર્ડિયાક અરેસ્ટના જોખમને ઘટાડવા માટે દરેક નાગરિકે નિયમિત કસરત કરવી, ધૂમ્રપાન અને તમાકુનો સંપૂર્ણ ત્યાગ કરવો, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખવું, સંતુલિત આહાર લેવો, સ્થૂળતા ઘટાડવી, નિયમિત આરોગ્ય તપાસ કરાવવી તેમજ છાતીમાં દુખાવો, અચાનક બેભાન થવું, શ્વાસમાં તકલીફ અથવા ધબકારા અસામાન્ય લાગવા જેવા લક્ષણોને ક્યારેય અવગણવા નહીં અને તાત્કાલિક તબીબી સારવાર લેવી જોઈએ.
