પેપર લીક મુદ્દે રાહુલ ગાંધી લોકસભા સ્પીકરને મળ્યા

સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષે NEET પેપર લીક પર ચર્ચાની માંગ કરી, પ્લેકાર્ડ બતાવ્યા, સૂત્રોચ્ચાર કર્યા, ત્યારબાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. આ તરફ, રાજ્યસભાની કાર્યવાહી પણ 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

સંસદની બહાર આવીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. લોકશાહીમાં આવું કરવું ખોટું છે. તેમજ, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરી.

આ પહેલા સંસદ ભવનમાં NDA સંસદીય દળની બેઠક મળી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ આજે એનડીએ મંગલ મિલન સમારોહમાં નીટ પરીક્ષાથી લઈને દરેક મુદ્દા પર વાત કરી. તેમણે કહ્યું કે પેપરલીક પર રાજકારણ ન થવું જોઈએ. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના હિત અમારા માટે સર્વોપરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પેપર લીક અંગે કહ્યું છે કે આ માટે આરોપીઓને કડકમાં કડક સજા મળે. આ માટે તેમણે મોટા વકીલોને આગળ આવવા જણાવ્યું છે.

નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી જંતર-મંતર પર સીજેપી નીટ પરીક્ષામાં પેપર લીકને લઈને પ્રદર્શન કરી રહી છે. પીએમ મોદીએ એનડીએ સંસદીય દળને સંબોધિત કરતા કહ્યું કે ઘણા દેશો સાથે જે કરારો થયા છે તેમાં ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જે પણ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે તેમાં ખેડૂતોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ તરફ, કોંગ્રેસના સાંસદ સૈયદ નાસિર હુસૈને રાજ્યસભામાં નિયમ 267 હેઠળ કામ રોકવાની નોટિસ આપી છે. તેમણે NEET UG 2026 પેપર લીક કેસ પર તાત્કાલિક ચર્ચા કરાવવાની માંગ કરી છે.

Leave a comment