જી.કે.જન. હોસ્પિ.માં જૂનમાં ૪૦ અને જુલાઈમાં અત્યારસુધી ૨૩ સર્પદંશના બનાવો

~ છેલ્લા દોઢ માસમાં ૬૩ જેટલા સર્પદંશના દર્દીઓને અપાઈ સઘન સારવાર

અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લા જૂન અને જુલાઈના પ્રથમ  પખવાડિયા સુધીના દોઢ માસમાં  સર્પદંશથી ગ્રસ્ત ૬૩ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. માર્ચ એપ્રિલમાં ગરમી વધવાની સાથે આવા કેસોમાં ક્રમશઃ વધારો થવા લાગે છે.

ગરમી અને ભેજના વધતા પ્રમાણ સાથે સર્પદંશના કેસોમાં પણ વધારો થાય છે. જૂન અને જુલાઈમાં ગરમી વધુ હોવાથી  સર્પ કરડવાના બનાવો વધ્યા હતા.  જૂનમાં  ૪૦  અને જુલાઈમાં અત્યાર સુધીમાં જ ૨૩ જેટલી વ્યક્તિઓને સર્પે ડંખ મારતા અત્રે સઘન સારવાર આપવામાં આવી હતી.

મેડિસિન વિભાગના તબીબોના જણાવ્યા મુજબ વર્ષા ઋતુમાં આવા કેસોની સંખ્યા આમેય વધુ જોવા મળતી હોય છે. ગ્રામ વિસ્તારમાં ખેતીવાડીનું કામ કરતા શ્રમજીવીઓ,ખેડૂતો, ગ્રામવાસીઓ  અને બાળકો વધુ ભોગ બનતા હોય છે. વરસાદને કારણે સાપ દરમાંથી બહાર નીકળીને રહેણાક વિસ્તારમાં અને ખેતરોમાં આવી જતા હોય છે,પરિણામે બનાવો વધે છે. 

આગમચેતી

હવે જ્યારે ચોમાસું શરૂ થાય તેવા  એંધાણ વચ્ચે આગમચેતી અને જાગૃતિ અંગે તબીબોએ કહ્યું કે, ખાસ કરીને ગ્રામ વિસ્તારમાં બહાર નીકળતી વખતે ટોર્ચ અને બુટ ચંપલ અવશ્ય પહેરવા. ઘાસની નાની મોટી ગંજી તેમજ અંધારા ખૂણામાં હાથ નાખતા પહેલા તપાસ કરી લેવી, ઘરની આસપાસ ગંદકી, કચરો અને ઉંદરોનો ઉપદ્રવ ન થવા દેવો હિતાવહ છે. ખેતરોમાં કામ કરતી વખતે પગમાં લાંબા રબરબુટ અને ફૂલ પેન્ટ પહેરવી છે.

સર્પદંશના કિસ્સામાં રાખવાની સાવધાની:

સર્પદંશના બનાવમાં અંધશ્રદ્ધામાં પડવાને બદલે તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે. તબીબોએ કહ્યું કે, સર્પ ડંખના કિસ્સામાં ગભરાવવાને બદલે દર્દીને શાંત રાખવો. ડંખવાળા ભાગને હલનચલન કરવા ન દેવો. ઘરગથ્થુ ઉપચાર ટાળવા, દંશની જગ્યાએ ચીરો ન કરવો. મોંથી લોહી ચૂસવાનો પ્રયત્ન ન કરવો. ઘા ના ભાગે દોરી કે પટ્ટો કસીને બાંધવો નહીં. સર્પદંશની અસર ન દેખાતી હોય તો પણ દર્દીને હોસ્પિટલ તપાસ માટે જરૂર લઈ જવો કારણ કે, કેટલાક ઝેરી સાપના લક્ષણો મોડા પણ દેખાઇ શકે.

Leave a comment