જી. કે. જન.હોસ્પિ.ના બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં છેલ્લા દોઢ વર્ષમાં ૩૦૦ પ્લાસ્ટિક સર્જરી કરાઈ

~ પ્લાસ્ટિક સર્જરી માત્ર સૌંદર્ય માટે નહીં, જીવનને ફરી સામાન્ય બનાવતી બહેતરીન સર્જીકલ સારવાર

પ્લાસ્ટિક સર્જરી એ આધુનિક તબીબી વિજ્ઞાનની એવી શાખા છે જે, અકસ્માતે દાઝી જવાને કારણે ઇજા કે શારીરિક હાની અથવા તો  બીજી જન્મજાત ખામીઓ, માર્ગ અકસ્માતમાં ચોટ, ડાયાબીટીક અલ્સર, ચહેરા અને શરીરના વિવિધ ભાગોમાં જખમ પડવો, કેન્સર બાદ શરીરના ભાગના પુનઃનિર્માણની સર્જરી (રિકન્સ્ટ્રક્ટિવ) કરી, અનેક ગંભીર પરિસ્થિતિ પછી પણ દર્દીઓને સામાન્ય જીવન જીવવામાં મદદરૂપ બને છે. 

અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના બર્ન્સ  અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ ડો.મહાલક્ષ્મી પિલ્લાઈએ ૧૫મી જુલાઈ વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસ નિમિત્તે કહ્યું કે, અંદાજે છેલ્લા દોઢ વર્ષમાં બર્ન્સની ઈજા કે ઉપરોક્ત કોઈપણ સ્થિતિમાં જુદા જુદા કારણોસર આવેલા લગભગ ૩૦૦ જેટલા દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી કરી ઈજાગ્રસ્ત દર્દીઓનું જીવન સામાન્ય બનાવવામાં આ વિભાગ મદદરૂપ બન્યું છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, દાઝી જવાના કિસ્સામાં પ્રાથમિક સારવાર અને સમયસર પ્લાસ્ટિક સર્જરી વિભાગનો સંપર્ક કરવાથી ચેપ, વિકૃતિ અને કાયમી અપંગતા જેવા જોખમો નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. આધુનિક પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીની પદ્ધતિઓને કારણે આજે અનેક દર્દીઓ ઓપરેશન બાદ ફરી આત્મવિશ્વાસ સાથે સામાન્ય જીવન જીવી રહ્યા છે.

તબીબોએ પ્લાસ્ટિક સર્જરી અંગે કોઈપણ ગેરસમજ કે અફવાઓને બદલે યોગ્ય અને વૈજ્ઞાનિક માહિતી પર વિશ્વાસ રાખી, જરૂર જણાય ત્યારે નિષ્ણાત બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જનની સલાહ લેવાથી જ જીવન સામાન્ય બનાવવાનો માર્ગ મળે છે. પ્લાસ્ટિક સર્જરી માત્ર સૌંદર્યતા માટે નથી પણ પુનઃ નિર્માણ કરવાની એક બહેતરીન સર્જરી કલા છે.

દાઝી જવાના કિસ્સામાં શું કરવું ને શું નહીં: 

સંજોગો વસાત દાઝી જવાના કિસ્સામાં ઘડિયાળ, વીંટી, કપડાં જોર લગાવીને કાઢવાને બદલે ધીમેથી દૂર કરવા, દાઝવાનું કારણ જેમકે ગરમ વસ્તુ, આગ ને વીજળી બંધ કરવી, દાઝેલા ભાગને બરફના બદલે ઠંડા વહેતા પાણીમાં રાખવો, કપાસને બદલે સ્વચ્છ સુતરાઉ કાપડથી દાઝેલા હિસ્સાને ઢાંકી દેવું. ફોલ્લાં ફોડવા નહીં.બરફ,માખણ,હળદર,તેલ લગાવવું નહીં.અને ૧૦૮ બોલાવી હોસ્પિટલ પહોંચવું.

Leave a comment