જી. કે. જન. હોસ્પિ.ના તબીબોએ ચોકલેટ ડે (૭જુલાઈ) નિમિત્તે  સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ચોકલેટના મુખ્ય લાભ અને  ધ્યાન રાખવા જેવી બાબતો વિષે આપી માહિતી

ચોકલેટ માત્ર એક સ્વાદિષ્ટ મીઠાઈ નથી, પરંતુ પ્રમાણસર અને યોગ્ય રીતે અને તેનું સેવન કરવામાં આવે તો આરોગ્ય માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ચોકલેટના અનેક પ્રકારો પૈકી ડાર્કચોકલેટ કે જેમાં ૭૦ ટકા કોકો રહેલું હોય છે તે શરીરને એન્ટિઓક્સિડન્ટ પ્રદાન કરે છે, હૃદયને સ્વસ્થ રાખે છે અને ચેતાતંત્રની પ્રણાલીને પણ સુદૃઢ બનાવે છે.

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડૉ.દેવિકા ભટ્ટે  ચોકલેટ ડે (૭જુલાઈ) નિમિત્તે  સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ચોકલેટના મુખ્ય લાભ અને  ધ્યાન રાખવા જેવી બાબતો ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે, ડાર્ક ચોકલેટમાં રહેલું  ફ્લેવોનોઇડ્સ તત્વ ધમનીને આરામ આપી, રક્ત સંચાર સુધારે છે. જેથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ઓછું કરવામાં મદદરૂપ રહે છે. 

મેડિસિન વિભાગના ડો.કશ્યપ બુચે કહ્યું કે,ડાર્ક ચોકલેટથી શરીરમાં રક્તસંસાર સરળ બને તો યાદદાસ્ત અને એકાગ્રતા પણ સુધરે છે. હેપ્પી હોર્મોન વધવાથી તણાવ ઘટે છે.ડાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ, આયર્ન, કોપર અને મેંગેનીઝ જેવા ખનીજ તત્વોનો સ્ત્રોત રહેલો હોય છે.જે ફાયદારૂપ છે.ઉપરાંત ડાર્ક ચોકલેટમાં રહેલા  પ્રિબાયોટિક ગુણ હોવાથી પાચન પણ સુધારે છે.ડાર્ક ચોકલેટ ફાયદાકારક છે.

ચોકલેટ ખાવા માટે રાખવા જેવી સાવધાની:

ચોકલેટ આરોગવામાં  રાખવાની જરૂરી સાવધાની અંગે તબીબોએ જણાવ્યું કે.ચોકલેટ પ્રમાણસર જ ખાવી જોઈએ. ૧૦ થી ૩૦ ગ્રામ એટલે કે નાના ૧ થી ૨ ટુકડા ખાઇ શકાય.વધુ ખાવાથી વજન વધે છે. તેમાં  ખાંડનું પ્રમાણ વધુ  હોય છે,જે નુકસાન કરી શકે છે.દાંત સડી શકે છે.વધુ સેવનથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનો પણ ખતરો ઉભો થાય છે.જેમાં ૭૦ ટકા જેટલું કોકો હોય તેવી ડાર્ક ચોકલેટ ઉપયોગી છે.

Leave a comment