યુધ્ધ પછી પેટ્રોલ,ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થયો તે હજુ પરત ખેંચાયો નથી, દૂધના ભાવ અગાઉ વધી ગયા છે, કોમર્શીયલ ગેસનો બાટલો યુધ્ધ પહેલા રૂ।.૧૭૬૮નો હતો તે રૂ।.૩૧૦૩એ પહોંચ્યા બાદ રૂ।.૧૮૩ના નજીવા ઘટાડા બાદ આજે પણ રૂ।.૨૯૨૦ના ભાવ છે, શાકભાજીના ભાવ સમતોલ વરસાદના અભાવે હાલ ઉનાળા કરતા પણ ઘણા વધારે છે ત્યારે હવે બાકી રહેલ સૌરાષ્ટ્ર તેલલોબીએ સિંગતેલના ભાવમાં રૂ।.૩૦નો વધારો આજે ઝીંક્યો છે અને આ સાથે કપાસિયા તેલમાં પણ આટલો વધારો થયો છે.
મગફળીનું ગત વર્ષે અગાઉના વર્ષો કરતા દોઢુ ઉત્પાદન થયું છે, ગત વર્ષે ૬૧ લાખ ટનનો રેકોર્ડબ્રેક પાક થયો છે જે મગફળી હજુ બજારમાં આવી રહી છે પરંતુ, ચાલુ વર્ષે ખરીફ સીઝનના આરંભે મગફળીનું ઉત્સાહભેર વાવેતર થયા બાદ જૂનમાં વરસાદનો અભાવ રહેતા વાવણીને બ્રેક લાગી છે પરંતુ, હવે ૭૫થી ૧૦૦ તાલુકામાં વાવણીલાયક વરસાદના પગલે વાવણીનો ધમધમાટ થનાર છે છતાં સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.
જો કે નારિયેળના ભાવમાં ઘટાડાનું વલણ જારી રહ્યું છે અને આજે ૧૫ નારિયેળ તેલના ડબ્બાએ વધુ રૂ।.૫૦નો ઘટાડો નોંધાયો હતો અને સૌરાષ્ટ્ર બજારમાં રૂ।.૩૭૦૦-૩૭૫૦ના ભાવે સોદા થયા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ પહેલા આ તેલ રૂ।.૬૦૦૦ની સપાટીએ પહોંચી ગયું હતું.
બીજી તરફ, શાકભાજીમાં ખાસ કરીને મેથી,કોથમીર જેવી ભાજીના ભાવમાં ભડકો થયો છે. યાર્ડમાં પ્રતિ મણ કોથમીર રૂ।.૧૬૦૦ને અને મેથી રૂ।.૨૦૦૦ને પાર થઈ છે. ઉપરાંત, ગુવાર, ચોળાસિંગ, કાકડી, વટાણા, લીલા મરચા સહિતના ભાવ પ્રતિ મણ રૂ।.૧૦૦૦થી ૧૫૦૦ સુધી પહોંચી ગયા છે.
