મે મહિનામાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ રૂ. 10,348 કરોડે પહોંચ્યું

વિશ્વના સૌથી મોટા હીરા કટિંગ અને પોલિશિંગ હબ ગણાતા સુરતના હીરા ઉદ્યોગ માટે લાંબા સમય બાદ ભારે રાહતના સમાચાર આવ્યા છે. વૈશ્વિક આર્થિક મંદી, ભૌગોલિક-રાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગના અભાવે છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીનો સામનો કરી રહેલા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં મે 2026 દરમિયાન અણધાર્યો અને મોટો સુધારો જોવા મળ્યો છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના તાજેતરના ડેટા અનુસાર, મે મહિનામાં કુલ એક્સપોર્ટ રૂ. 10,348 કરોડ નોંધાયું છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે સુરતનો હીરા ઉદ્યોગ હવે ધીમે-ધીમે મંદીના કળણમાંથી બહાર આવી રહ્યો છે અને વૈશ્વિક બજારોમાં ભારતીય હીરાની ચમક ફરી એકવાર વિદેશી ગ્રાહકોને આકર્ષી રહી છે.

આ હકારાત્મક ગ્રોથ અંગે ખાસ વાતચીત કરતા GJEPC ગુજરાત રિજનલ ચેરમેન જયંતી સાવલિયાએ જણાવ્યું હતું કે, મે 2026ના મહિનામાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં શાનદાર વધારો દેખાયો છે. આ મહિનામાં કુલ 10,348 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થયું છે, જેમાં લેબગ્રોન ડાયમંડ સેગમેન્ટમાં 41% અને નેચરલ ડાયમંડ સેગમેન્ટમાં 16%નો ધરખમ વધારો નોંધાયો છે. આ આંકડા આપણને સ્પષ્ટ સંકેત આપે છે કે આપણે છેલ્લા ત્રણ-4 વર્ષથી જે મંદીના માહોલનો સામનો કરી રહ્યા હતા, તેમાંથી હવે સકારાત્મક રીતે બહાર નીકળી રહ્યા છીએ. લેબગ્રોન ડાયમંડ સુરત અને ગુજરાત માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.

મે 2026 દરમિયાન સુરતના પરંપરાગત રિયલ (નેચરલ) કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ રૂ. 9,378.53 કરોડ પર પહોંચી છે. જે મે 2025 ના રૂ. 8,086.48 કરોડની સરખામણીએ સીધો 16 ટકાનો ઉછાળો દર્શાવે છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાસ કરીને પતલી સાઈઝના (નાના કદના) નેચરલ પોલિશ્ડ હીરાની માંગ ફરી સજીવન થઈ છે.

યુએસ અને અન્ય દેશોમાંથી નાના ઓર્ડર્સ સતત મળવાના કારણે સુરતના સ્થાનિક કારખાનાઓમાં પ્રોડક્શનની ગતિ વધી છે. નિકાસના જથ્થાની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષે 13.35 લાખ કેરેટ હીરા એક્સપોર્ટ થયા છે, જે ગયા વર્ષના 11.91 લાખ કેરેટ કરતા નોંધપાત્ર વધારે છે. ડોલર ટર્મમાં પણ નિકાસ 949.30 મિલિયન ડોલરથી વધીને 980.73 મિલિયન ડોલર નોંધાઈ છે.

બીજી તરફ, લેબગ્રોન ડાયમંડ (LGD) સેગમેન્ટે આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને નિકાસમાં 41% ની અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષે મે મહિનામાં લેબગ્રોન હીરાની નિકાસ રૂ. 686.84 કરોડ હતી, જે આ વર્ષે વધીને રૂ. 970.27 કરોડ પર પહોંચી ગઈ છે. કેરેટ વાઇઝ વોલ્યુમમાં પણ મોટી લાંબી છલાંગ જોવા મળી છે. જયંતી સાવલિયાના મતે, લેબગ્રોન ડાયમંડ આગામી સમયમાં સુરતના આર્થિક વિકાસનું સૌથી મોટું ‘ગ્રોથ એન્જિન’ બનવા જઈ રહ્યું છે.

છેલ્લા ત્રણથી ચાર વર્ષ દરમિયાન જ્યારે નેચરલ ડાયમંડ ઉદ્યોગ ભારે કટોકટી અને રફ હીરાની અછતનો સામનો કરી રહ્યો હતો, ત્યારે લેબગ્રોન ડાયમંડ ટેકનોલોજી અને તેની ફેક્ટરીઓએ સુરતની અર્થવ્યવસ્થાને તૂટતી બચાવી લીધી હતી. આ સેક્ટરે સુરત અને આજુબાજુના વિસ્તારોના લાખો રત્નકલાકારોને કટિંગ અને પોલિશિંગની કામગીરીમાં સતત વ્યસ્ત રાખી રોજગારી પૂરી પાડી છે. હાલમાં વૈશ્વિક માર્કેટમાં નેચરલ ડાયમંડની સરખામણીએ લેબગ્રોન ડાયમંડની પડતર કિંમત ઓછી હોવાથી પશ્ચિમી દેશોના મધ્યમ વર્ગમાં તેની સ્વીકાર્યતા અને લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે, જેનો સીધો ફાયદો સુરતના મેન્યુફેક્ચરર્સને મળી રહ્યો છે.

Leave a comment