~ જી. કે. જન. હોસ્પિ.ના તબીબોએ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે આપ્યો જાગૃતિ સંદેશ
ભારતમાં દર વર્ષે ૧૦ લાખ થી વધુ લોકોના માત્ર તમાકુને લીધે મૃત્યુ થાય છે, છતાં આ વ્યસન ઘટવાનું નામ લેતો નથી. બંધાણીઓ જાણતા હોવાં છતાં તેની માનસિક અસર એટલી મજબૂત છે કે તમાકુથી જાતને દૂર મૂકી શકતા નથી. ભારતમાં જ ૨૫ કરોડથી વધુ લોકો તમાકુની જુદી જુદી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને જીવલેણ બીમારીઓને નોંતરે છે, માટેજ કહેવાય છે કે જીવનની પ્રત્યેક આરોગ્ય ક્ષણને માણવી હશે તો તમાકુના કણને છોડવા પડશે.
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પીટલમાં વિવિધ વિભાગોના તબીબોના જણાવ્યા મુજબ તમાકુના સેવનથી અનેક જીવલેણ બીમારીઓ થાય છે, જેમાં કેન્સર હૃદયરોગ, હાઇ બી.પી. અને શ્વાસના રોગ મુખ્ય છે. આ ઉપરાંત વ્યક્તિની પ્રજનન ક્ષમતા ઉપર પણ અસર કરે છે. દાંતના અનેક રોગમાં પણ તમાકુનું સેવન ભાગ ભજવે છે.
વિશ્વ સહિત ભારતમાં તમાકુ દ્વારા શારીરિક આર્થિક અને સામાજિક નુકસાનીનો વ્યાપ એટલો બધો મોટો છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત ભારતની જુદી જુદી આરોગ્ય સંસ્થાઓ પણ લોકોને તમાકુના સેવનથી દૂર રહેવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ જ સ્થિતિને કારણે વિશ્વ આરોગ્ય અને વિવિધ સંસ્થા દર વર્ષે ૩૧મી મે ના રોજ નો ટોબેકો ડે ની ઉજવણી કરે છે.
ભારતમાં તમાકુનો ઉપયોગ ફક્ત સિગરેટ પૂરતું જ મર્યાદિત નથી તમાકુના ઉપયોગનું સૌથી પ્રચલિત સ્વરૂપ ધુમ્રપાન વિનાનું તમાકુ પણ છે. જેમાં ખેની, ગુટખા, ઝરદા, તમાકુ સાથે સોપારી જેવા ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. આ તમાકુ ને કારણે કેન્સર, હૃદય રોગ, હાઈ બીપી અને સ્વાસ્થ્ય રોગ થવાનું જોખમ વધી જાય છે. તમાકુ મગજની રક્તવાહિનીને નુકસાન પહોંચાડે છે જેથી સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન મૃત્યુ, અકાળ જન્મ ઉપરાંત ટાઈપ ટુ ડાયાબિટીસ અને ટી.બી.નું જોખમ પણ ભારો ભાર રહેલું હોય છે.
આ બીમારી માત્ર ધૂમ્રપાન કરનારને જ નહીં પણ સેકન્ડહેન્ડ વ્યક્તિને પણ અસર કરે છે. જે વ્યાસની ધુમ્રપાન પછી ધુમાડો છોડે છે અને બીજી વ્યક્તિ એ ધુમાડો શ્વાસમાં લે છે એને પણ રોગ થવાની સંભાવના વધી જાય છે. એક સર્વે મુજબ આવી ટેવને લીધે ૨૫ થી ૩૦ ટકાને દિલની અને ૨૦ થી ૩૦ ટકા સ્ટ્રોકની સમસ્યાનો સામનો કરે છે. તબીબોના જણાવ્યા મુજબ જો આવી કોઈ સમસ્યા ઉદ્ભવેતો ડોક્ટર્સનો સંપર્ક કરી સારવાર લેવા ઉપરાંત ધુમ્રપાન કે છોડવાના ઉપાય શરૂ કરી દેવા જોઈએ. આજે મેડિકલ વિજ્ઞાન પાસે ધૂમ્રપાન છોડાવવાના અનેક ઉપાયો મોજુદ છે.
તબીબોના જણાવ્યા મુજબ લોકો તમાકુનો ઉપયોગ અનેક કારણસર કરતા હોય છે. પ્રથમ તો દેખાદેખીમાં, ત્યારબાદ સાથીદારોનું દબાણ, માનસિક સ્વાસ્થ્ય, તણાવ, હતાશા, ચિંતા, ક્રોનિક તણાવ, અથવા સામાજિક એકલતા તેમજ આર્થિક પ્રશ્નોને કારણે પણ લોકો તમાકુનું સેવન કરી વિનાશને નિમંત્રણ આપતા હોય છે.
