મે મહિનામાં 20%ના ઘટાડા સાથે ₹1.94 લાખ કરોડનું GST કલેક્શન

મે 2026માં 1.94 લાખ કરોડ રૂપિયાનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન થયું. આ એપ્રિલના રેકોર્ડ 2.42 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 20% ઓછું છે. જોકે, ગયા વર્ષના સમાન સમયગાળા એટલે કે મે 2025 (₹1.88 લાખ કરોડ) કરતાં 3.2% વધુ છે. સરકારે આજે એટલે કે 1 જૂને GST કલેક્શનના આંકડા જાહેર કર્યા.

નાણા મંત્રાલય દ્વારા આજે 1 જૂને જાહેર કરાયેલા આંકડા મુજબ, રિફંડ ઘટાડ્યા પછી મે મહિનામાં નેટ GST રેવન્યુ 3.3% વધીને 1.67 લાખ કરોડ રૂપિયા રહ્યું, જે ગયા વર્ષે મે મહિનામાં 1.62 લાખ કરોડ રૂપિયા હતું.

મહિનોGST કલેક્શન
એપ્રિલ₹2.23 લાખ કરોડ
મે₹2.01 લાખ કરોડ
જૂન₹1.85 લાખ કરોડ
જુલાઈ₹1.96 લાખ કરોડ
ઓગસ્ટ₹1.86 લાખ કરોડ
સપ્ટેમ્બર₹1.89 લાખ કરોડ
ઓક્ટોબર₹1.96 લાખ કરોડ
નવેમ્બર₹1.70 લાખ કરોડ
ડિસેમ્બર₹1.74 લાખ કરોડ
જાન્યુઆરી₹1.93 લાખ કરોડ
ફેબ્રુઆરી₹1.83 લાખ કરોડ
માર્ચ₹2.00 લાખ કરોડ

મે મહિનામાં GST કલેક્શનની વૃદ્ધિ મુખ્યત્વે ઇમ્પોર્ટ (આયાત) પર આધારિત રહી. ઇમ્પોર્ટેડ ગુડ્સમાંથી થતી ગ્રોસ GST રેવન્યુ વાર્ષિક ધોરણે 19.1% વધીને 59,654 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. જ્યારે, બીજી તરફ ઘરેલું ટ્રાન્ઝેક્શનમાંથી થતી ગ્રોસ ઘરેલું કમાણીમાં 2.6%નો ઘટાડો થયો અને તે 1.35 લાખ કરોડ રૂપિયા રહી.

નેટ બેસિસ પર જોઈએ તો કસ્ટમ્સ (ઇમ્પોર્ટ) GST કલેક્શન 19.7% ઉછળીને 49,403 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે નેટ ઘરેલું રેવન્યુ 2.3% ઘટીને 1.18 લાખ કરોડ રૂપિયા રહી ગયું.

નાણાકીય વર્ષ 2026-27 (FY27)ના પ્રથમ બે મહિના (એપ્રિલ અને મે)ને ભેગા કરીને કુલ ગ્રોસ GST કલેક્શન 6.2% વધીને ₹4.37 લાખ કરોડ થઈ ગયું છે. તેવી જ રીતે, પ્રથમ બે મહિનામાં નેટ GST રેવન્યુ પણ 5.5%ની વૃદ્ધિ સાથે ₹3.78 લાખ કરોડ પર પહોંચી ગયું છે.

GST કલેક્શનના મામલે અલગ-અલગ રાજ્યોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. મોટા રાજ્યોની વાત કરીએ તો સેટલમેન્ટ પહેલાં (પ્રી સેટલમેન્ટ SGST) મે મહિનામાં કર્ણાટકમાં 11%, આંધ્ર પ્રદેશમાં 11%, ઉત્તર પ્રદેશમાં 9% અને મહારાષ્ટ્રમાં 8%ની વૃદ્ધિ નોંધાઈ. કેરળમાં આ વૃદ્ધિ સૌથી શાનદાર 19% રહી, જ્યારે ગુજરાતમાં કલેક્શન 3% વધ્યું.

GST કલેક્શન એ દર્શાવે છે કે દેશનું અર્થતંત્ર કેટલું તંદુરસ્ત છે. જો કલેક્શન વધારે હોય, તો તેનો અર્થ એ છે કે લોકો જોરશોરથી ખરીદી કરી રહ્યા છે, ફેક્ટરીઓમાં ઉત્પાદન વધી રહ્યું છે અને લોકો ઈમાનદારીથી ટેક્સ ભરી રહ્યા છે.

Leave a comment