અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર પેન્ટાગોને ક્યુબા પર સંભવિત લશ્કરી હુમલો કરવા માટેની તમામ સૈન્ય તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ક્યુબાની કમ્યુનિસ્ટ સરકારને પછાડવા માટેના તમામ આર્થિક અને રાજકીય દબાણો નિષ્ફળ ગયા બાદ, હવે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આ ટાપુ દેશ પર આક્રમણ કરવાની દિશામાં વિચારણા શરૂ કરી છે. આ માટે અમેરિકન નેવીએ મિડલ ઈસ્ટ બહાર સમગ્ર વિશ્વમાં પોતાનું સૌથી મોટું સૈન્ય પ્રદર્શન ક્યુબાની આસપાસ ગોઠવી દીધું છે. જેથી આદેશ મળતાં જ તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
પોલિટિકોના રિપોર્ટ અનુસાર, અમેરિકા અહીં વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ જેવું જ ઓપરેશન હાથ ધરીને હવાનાની ટોચની નેતાગીરીની ધરપકડ(કબ્જો) કરી શકે છે અથવા શ્રેણીબદ્ધ ચોક્કસ ગાઇડેડ મિસાઇલ હુમલા કરી શકે છે. જો આમ થશે, તો ટ્રમ્પ પ્રશાસનનો આ ત્રીજો મોટો આંતરરાષ્ટ્રીય સૈન્ય સંઘર્ષ હશે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કેબિનેટ બેઠકમાં સ્પષ્ટ કહ્યું હતું કે, “ક્યુબા અત્યારે ભારે મુશ્કેલીમાં છે. આપણા દરિયાકાંઠાથી માત્ર 90 માઇલ દૂર એક નિષ્ફળ ગયેલું રાજ્ય હોવું એ યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે.”
અમેરિકાએ ક્યુબાને ચારેય તરફથી ઘેરવા માટે કેરેબિયન સમુદ્રમાં ઘાતક સૈન્ય જમાવડો એકત્ર કર્યો છે. અમેરિકાનું વિશાળ ગાઇડેડ મિસાઇલ અને ફાઇટર પ્લેન્સથી સજ્જ ‘USS નિમિત્ઝ’ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગ્રૂપ મે મહિનામાં કેરેબિયન સમુદ્રમાં પ્રવેશી ચૂક્યું છે. અમેરિકાના અત્યાધુનિક ડ્રોન અને જાસૂસી વિમાનો મહિનાઓથી ક્યુબાની સરહદ પર ચક્કર લગાવી રહ્યા છે. 2500 મરીન સૈનિકોને લઈને જતું USS કિયરસાર્જ પણ વર્જિનિયાના દરિયાકાંઠે તૈનાત છે.
સંરક્ષણ વિશ્લેષકોના મતે, અમેરિકાના એરસ્ટ્રાઈકનો પ્રથમ ટાર્ગેટ ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ રાઉલ કાસ્ટ્રો હોઈ શકે છે, જેમના પર અમેરિકાએ તાજેતરમાં જ કેસ દાખલ કર્યો છે.
પેન્ટાગોન સજ્જ હોવા છતાં, આ લાંબા ગાળાના મિશનોને કારણે અમેરિકી નૌસેનાના જવાનો અને યુદ્ધજહાજો પર ભારે દબાણ આવી રહ્યું છે. સામાન્ય રીતે 6 થી 7 મહિનાના સૈન્ય પરત ફરતું હોય છે. જો કે સતત ચાલી રહેલા ઓપરેશનના કારણે ઘણા યુદ્ધજહાજો છેલ્લા 10 મહિનાથી દરિયામાં છે. આ ઉપરાંત, અમેરિકી નૌસેના અરબી સમુદ્રમાં ઈરાની જહાજોની નાકાબંધી પણ કરી રહી છે, જેના કારણે સૈન્ય રિપેરિંગ અને જવાનોના માનસિક તણાવની સમસ્યાઓ વધી રહી છે.
50 વર્ષ સેવા આપી ચૂકેલા USS નિમિત્ઝના એન્જિન હટાવીને તેને નિવૃત્ત કરવાનું હતું, પરંતુ વર્તમાન કટોકટીને જોતાં નેવીએ તેનો કાર્યકાળ વર્ષ 2027 સુધી લંબાવી દીધો છે. હવે સમગ્ર વિશ્વની નજર વ્હાઇટ હાઉસ પર ટકેલી છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ક્યુબા પર હુમલાનો આખરી આદેશ ક્યારે આપે છે.
