ATSએ પકડેલા આતંકીઓની તપાસમાં ખુલાસો

ભારતમાં ‘ગઝવા-એ-હિંદ’ની સ્થાપના કરવાના ઉદ્દેશ સાથે દેશમાં હુમલો કરવાની તૈયારી કરી રહેલા બે આરોપીને ગુજરાત ATSની ટીમે ઝડપી લીધા હતા. સિદ્ધપુરનો ઇરફાન પઠાણ અને મુંબઈનો મુરશીદ સંખ્યાબંધ વોટ્સએપ એકાઉન્ટમાં એક્ટિવ હતા. આરોપીઓએ 12થી 13 સભ્યોના વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. ગ્રુપમાં રહેલા તમામ સભ્યોની વિગત એકઠી કરવામાં આવી રહી છે, જેમાં દેશવિરોધી કટ્ટર માનસિકતા ધરાવતા ઘણા ગુમરાહ લોકોને પૂછપરછ માટે તૈયારી કરવામાં આવી રહી છે, જેમાંથી ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

સોશિયલ મીડિયા પર પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠનો તથા સિરિયાના ISIS અને અન્ય સંગઠનોને ફોલો કરી તેમના વીડિયો તથા મેસેજ જુદા-જુદા ગ્રુપમાં વાયરલ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો ATSને મળી હતી. ATSની ટીમને સિદ્ધપુરથી MSCનો અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવક ઇરફાન પઠાણને ઝડપી લીધો હતો. તેની સાથે સંકળાયેલા મુંબઈના મુરશીદને પણ ઝડપી લેવાયો છે.

બંનેના ફોનમાંથી કટ્ટર વિચારો વાયરલ કરવા માટે બનાવાયેલા 12-13 સભ્યોના સંખ્યાબંધ વોટ્સએપ ગ્રુપ એક્ટિવ હોવાની વિગતો મળી હતી. મોબાઇલમાંથી આવા ઘણા ગ્રુપના સભ્યોની વિગતો પોલીસને મળી છે. સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ પર દેશના ચોક્કસ નેતાઓ અને RSSના લોકો પર હુમલા અને દેશ સામે યુદ્ધ છેડવાના મેસેજ સહિત ઘણું વિવાદાસ્પદ સાહિત્ય પણ વાયરલ કરવામાં આવ્યું હતું, જેની તપાસ ચાલી રહી છે.

બંને યુવાનોએ દેશભરમાંથી પોતાના જેવી માનસિકતા ધરાવતા યુવાનોને એકત્રિત કરી મોટી ઘટનાને અંજામ આપવા તથા યુદ્ધ છેડવાની તૈયારી કરી હતી. તેના માટે તેઓ ફંડિંગ અને હથિયાર મેળવવા પ્રયત્નશીલ હતા. હવે તેમણે આ દિશામાં કોઈ કામગીરી કરી હતી કે કેમ તથા હુમલા માટે તેમણે કોઈ લોકેશનની રેકી કરી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ ATS ઉપરાંત તમામ એજન્સીઓ દ્વારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે.

Leave a comment