કચ્છના રણમાં ખીલી ‘સૂર્ય-શક્તિ’ : ખાવડા RE પાર્ક અર્થ ડે 2026 ની થીમનું જીવંત ઉદાહરણ

આજે જ્યારે સમગ્ર વિશ્વ ‘વર્લ્ડ અર્થ ડે 2026’ ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાતના કચ્છમાં આવેલું ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક વિશ્વ માટે આશાનું નવું કિરણ બનીને ઉભરી આવ્યું છે. વર્ષ 2026 ની થીમ “Our Power, Our Planet” એટલે કે આપણી પૃથ્વીને બચાવવા માટે આપણા સામર્થ્યનો ઉપયોગ કરવો, અને આ વાતને ખાવડાના રણ વિસ્તારમાં હકીકત બનાવવામાં આવી છે.

એક સમયે જ્યાં માત્ર ક્ષાર અને રણ હતું, ત્યાં આજે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટમાં વિશ્વનું સૌથી મોટું ઊર્જા સામર્થ્ય કોઈ જાદુથી ઓછું નથી. વિરાટ કદ, ગ્રીન પાવર ઉત્પાદન અને ટેકનોલોજીનો કરિશ્મા આ પાર્કને શ્રેષ્ઠત્તમ બનાવે છે. કંપનીએ કરેલું 5 મેગાવોટ (MW) ની ક્ષમતા ધરાવતુ મહાકાય વિન્ડ ટર્બાઇનનું કમિશનિંગ ‘આત્મનિર્ભર ભારત’ની ગગનચૂંબી સફળતા છે.

726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ ખાવડાનો પાર્ક પેરિસ શહેર કરતા પાંચ ગણો મોટો છે. આ પાર્ક જ્યારે પૂર્ણ થશે ત્યારે 30 થી 45 ગીગાવોટ (GW) વીજળી પેદા કરશે. એપ્રિલ 2026 સુધીમાં, તેની ક્ષમતા વધીને 9.4 GW સુધી પહોંચી ગઈ છે. AI-સંચાલિત વોટરલેસ રોબોટ્સ દ્વારા સોલાર પેનલની સફાઈ કરવામાં આવે છે, જે પાણીની અછત ધરાવતા કચ્છમાં લાખો લીટર પાણીની બચત કરે છે.

આ ટેકનોલોજી ‘Our Power’ થીમને સાર્થક કરે છે. જ્યાં મનુષ્ય કુદરતને નુકસાન પહોંચાડ્યા વગર ઉકેલ શોધે છે. સૂર્યપ્રકાશથી સોલાર પાવર અને રાત્રિના સમયે રણના પવનથી વિન્ડ ટર્બાઈનથી ચાલતી સંપૂર્ણ ઇકોસિસ્ટમ ૨૪ કલાક પૃથ્વીને નુકસાન પહોંચાડ્યા વગર ઉર્જા પૂરી પાડે છે.

આ પ્રોજેક્ટ પૃથ્વીનું રક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યનો આધારસ્તંભ છે. તે માત્ર વીજળી નથી આપતો, પણ આપણી પૃથ્વીને હરિયાળી રાખવાની જવાબદારી પણ નિભાવે છે. આ પાર્ક વાર્ષિક અંદાજે 5 કરોડ ટન કાર્બન ઉત્સર્જન ઘટાડશે, જે પૃથ્વીના તાપમાનને વધતું રોકવામાં ભારે મદદ કરશે. ખાવડા RE પાર્ક એ માત્ર ભારતનું ગૌરવ નથી, પણ તે પૃથ્વીને બચાવવા માટે યુક્તિ  અને કુદરતી સંપત્તિના સંગમનું એક જીવંત ઉદાહરણ છે.

આ પ્રોજેક્ટથી સ્થાનિક વિકાસને નવી પાંખો મળી છે. તેનાથી કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં 1 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થઈ છે. અહીં માત્ર સોલાર કે વિન્ડ પાવર જ નહીં, પણ ભવિષ્યના બળતણ એવા ‘ગ્રીન હાઇડ્રોજન’ પર પણ કામ શરૂ કરવામાં આવ્યું છે.

ખાવડા RE પાર્ક એ વાતનું પ્રતીક છે કે જો મનુષ્ય ધારે તો કુદરતના સંસાધનો (સૂર્ય અને પવન) નો ઉપયોગ કરીને પૃથ્વીને હાનિ પહોંચાડ્યા વગર પ્રગતિ કરી શકે છે. 2026 નો અર્થ ડે આપણને યાદ અપાવે છે કે આપણી પાસે ટેકનોલોજી અને કુદરતી શક્તિ બંને છે—બસ, જરૂર છે તેને ‘ખાવડા’ જેવા મજબૂત સંકલ્પ સાથે જોડવાની.

Leave a comment