હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુખપર-2 ના કોંગ્રેસના ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે તાલુકા પંચાયત આવ્યા ત્યારે કોંગ્રેસી આગેવાન અને કાર્યકરોએ શાંતિનો ભંગ કરી ફરજમાં રુકાવટ કરતા સાત નામજોગ સહીત પંદરથી વિસ જેટલા આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ફરિયાદી ઉર્વશી કુંદનલાલ રાજગોરે આરોપી હરીશ આહીર, એચ.એસ.આહીર, નરેન્દ્રસિંહ જાડેજા, રમેશ ગરવા, લાખાજી સોઢા, લાલીબેન ભાનુ આહીવાલ, રસિકબા જાડેજા અને અન્ય 15થી 20 કોંગ્રેસ આગેવાનો-કાર્યકર્તાઓ સામે ગુનો નોંધાવ્યો છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 15 એપ્રિલના બપોરે પોણા બે વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી તાલુકા પંચાયતમાં પોતાની ફરજ પર હતા. એ દરમિયાન સુખપર-2 ના કોંગ્રેસ ઉમેદવાર પુષ્પાબેન ભુડીયા પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા હતા. એ દરમિયાન આરોપીઓએ તાલુકા પંચાયતના ગેટ પાસે ઘેરાવ કરી શાંતિ ભંગ કરવાનો ઈરાદો રાખી ઉભેલા હતા.
જે બાદ આરોપીઓએ જોર જોરથી નારા લગાવી જાહેરમાં અશાંતિ અને ગભરાટનું વાતાવરણ ઉભું કર્યું હતું. ત્યારબાદ આરોપીઓએ ફરજ પર રહેલા પોલીસકર્મીઓ સામે બળ પ્રયોગ કરી ધક્કા મુક્કી કરી કરી હતી. જેમાં કોન્સ્ટેબલ ક્રિષાબેન કેરાઈને ધક્કો મારી નીચે પાડી દેતા કમરના ભાગે ઈજાઓ પહોચી હતી.સમગ્ર મામલે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
