કચ્છ પરત આવવા ઇચ્છુક શિક્ષકોના બદલીના ઓર્ડર રદ કરવા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરાઈ

કચ્છ જિલ્લામાં વર્ષોથી ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોની તાજેતરમાં અન્ય જિલ્લાઓમાં કરવામાં આવેલી બદલીઓ રદ કરવા માટે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆત કરવામાં આવી છે. સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીને પત્ર લખીને આ મામલે સરકારમાં યોગ્ય રજૂઆત કરવા જણાવાયું છે.

પત્રમાં જણાવાયું છે કે કચ્છ જિલ્લામાં પહેલેથી જ મંજૂર થયેલ મહેકમ કરતાં ઓછા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. આવા સંજોગોમાં વધુ શિક્ષકોની બદલી થવાથી જિલ્લાના શિક્ષણકાર્ય પર માઠી અસર પડી શકે છે. કચ્છ જિલ્લો ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે અન્ય જિલ્લાઓથી અલગ છે.

અહીંના અંતરિયાળ વિસ્તારોમાં બહારથી આવતા નવા શિક્ષકો માટે અનુકૂલન સાધવું કઠિન હોય છે, જ્યારે હાલના શિક્ષકો આ પરિસ્થિતિથી પરિચિત છે. જે શિક્ષકો કચ્છમાં જ રહીને પોતાની સેવાઓ આપવા ઈચ્છે છે, તેમના બદલીના ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે.

સંઘના પ્રમુખ નયનસિંહ જી. જાડેજા અને મહામંત્રી કેરણાભાઈ ગોયલ દ્વારા આશા વ્યક્ત કરાઈ છે કે જો બદલીઓ રદ કરવામાં આવશે, તો જિલ્લામાં સર્જાયેલી શિક્ષકોની ઘટની સમસ્યામાં પણ રાહત મળી શકશે.

Leave a comment