અમદાવાદ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, ત્યારે સ્ટેશન પર ટ્રેનોનું ભારણ ઘટાડવા રેલવેએ હાલમાં શરૂ કરેલી તમામ હોલિડે સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન સાબરમતી અને અસારવાથી કરાઇ રહ્યું છે. એજ રીતે મુંબઈ સહિત દક્ષિણ ભારતથી આવતી અને પાલનપુર થઈ રાજસ્થાન તરફ જતી તમામ હોલીડે સ્પેશિયલ ટ્રેનોને સાબરમતી સ્ટોપેજ અપાતાં આ ટ્રેનો અમદાવાદ સ્ટેશને નહીં ઊભી રહે, જેથી લોકોને ટ્રેનમાં ચઢવા કે ઉતરવા સાબરમતી જવું પડશે.
અમદાવાદ સ્ટેશને રિડેવલપમેન્ટની કામગીરીની સાથે નેશનલ હાઈસ્પીડ રેલ દ્વારા બુલેટ ટ્રેનના સ્ટેશનની તેમજ ટ્રેકની કામગીરી ચાલતી હોવાથી પ્લેટફોર્મ નંબર 9થી 12ના ચાર પ્લેટફોર્મ બંધ કરાયાં છે. જેથી વડોદરા તરફ જતી કેટલીક લોકલ ટ્રેનોનું સંચાલન હાલ વટવાથી કરાઇ રહ્યું છે.
જ્યારે કેટલીક ટ્રેનોને સાબરમતી શિફ્ટ કરાઇ છે. એજ રીતે કેટલીક ટ્રેનોને મણિનગર, વટવા, અસારવા તેમજ સાબરમતી ખાતે શિફ્ટ કરવાનું આયોજન હતું.
હાલ અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ નં.9-10ની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે આગામી દિવસોમાં અમદાવાદથી વધુ ટ્રેનો શિફ્ટ કરાવાની શક્યતા નહિવત છે. સ્ટેશન પર ટ્રેનોનું ભારણ વધે નહીં તે માટે હાલમાં શરૂ થનાર હોલિડે સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન અસારવા તેમજ સાબરમતીથી કરાઇ રહ્યું છે.
એજ રીતે પાસિંગ સ્પેશિયલ ટ્રેનોને સાબરમતી ખાતે સ્ટોપેજ અપાતાં આ ટ્રેનો અમદાવાદથી પસાર થતી હોય ત્યારે તેને કોઈ પ્લેટફોર્મ પર લઈ જવાના બદલે સીધી લઈ જવાય છે. હાલ લગભગ 10 જેટલી ટ્રેનોને આ રીતે અમદાવાદ સ્ટોપેજ આપવાના બદલે સાબરમતી સ્ટોપેજ અપાય છે. કાલુપુર સ્ટેશને રિડેવલપમેન્ટની કામગીરી પગલે અનેક ટ્રેનો શિફ્ટ કરાઈ છે.
