રાપર તાલુકામાં નર્મદા કેનાલના પાણીથી ખેતીમાં નવી ક્રાંતિ આવી છે. તાલુકાના 39 ગામોમાં નર્મદા કેનાલનું પાણી પહોંચતા ખેડૂતોની કાયાપલટ થઈ ગઈ છે. છેલ્લા આઠ વર્ષથી જીરુંનું ઉત્પાદન વધ્યું છે.
રવિ સીઝનમાં જીરું, કપાસ, એરંડા, વરીયાળી, રાયડો, ઘઉં અને મગફળી જેવા રોકડિયા પાકોનું ઉત્પાદન થઈ રહ્યું છે. દર વર્ષે આઠથી નવ અબજ રૂપિયાનું જીરું પાકે છે. રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. વર્તમાન બજારભાવ મુજબ, જીરાનો વીસ કિલોનો ભાવ રૂ.3850થી 4200, રાયડાનો ભાવ રૂ.1040થી 1110, ઘઉં રૂ.460થી 490, એરંડા રૂ.1210થી 1230 અને વરિયાળી રૂ.2010થી 2100 છે.
રોજની આવક જોઈએ તો જીરાની 300 બોરી (60 કિલોની), રાયડાની 250 બોરી (80 કિલોની), એરંડાની 1200થી 1300 બોરી અને ઘઉંની 450થી 500 બોરી આવે છે. સવાસોથી દોઢસો મજૂરો અહીં કામ કરે છે. એક બોરી ભરવાના સ્થાનિક ભાવ રૂ.10થી 12 છે અને ગાડીમાં ભરવાના રૂ.18થી 20 છે.
દરરોજ 15થી 20 ગાડીઓ ભરાય છે અને મજૂરોને રોજના રૂ.1000થી વધુની આવક થાય છે. અઢીસો જેટલા વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સવારે 10 વાગ્યે જાહેર હરાજી યોજાય છે. માલનું કાંટે વજન કરી રોકડા રૂપિયા ચૂકવવામાં આવે છે.
