દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાના અંતિમ દર્શન માટે રાજનેતાઓ સહિત લોકોની ભીડ ઉમટી

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ.

એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારે રતન ટાટાને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવા માટે પ્રસ્તાવ પાસ કરી દીધો છે અને આ અંગેની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી પણ આપી છે.

મુંબઈમાં રતન ટાટાના અંતિમ દર્શન દરમિયાન અજિત પવાર, એકનાથ શિંદે સહિત વિવિધ પક્ષોના ટોચના નેતાઓ અંતિમદર્શન કરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે રતન ટાટાનું 86 વર્ષની વયે ગઇકાલે રાતે મુંબઇમાં નિધન થઈ ગયું હતું.

રતન ટાટાના અંતિમ દર્શન મુંબઈના NCPA ગ્રાઉન્ડમાં થઈ રહ્યા છે. લોકો અહીં પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કોલાબા સ્થિત તેમના નિવાસેથી એનસીપીએ ગ્રાઉન્ડ લઈ જવામાં આવી રહ્યો છે.

શિવસેના (એકનાથ શિંદે જૂથ)એ સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી છે. પાર્ટીના નેતા રાહુલ કનાલે મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખીને કેન્દ્ર સરકારને ભારત રત્ન માટે રતન ટાટાનું નામ મોકલવાની વિનંતી કરી છે.

રતન ટાટાના અંતિમ દર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમના પાર્થિવ શરીરને એનસીપીએ ગ્રાઉન્ડમાં રખાશે. તેના માટે મરીન ડ્રાઈવ રોડને સંપૂર્ણપણે બંધ કરી દેવાશે.

ઝારખંડ સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો છે. મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટર પર પોતાના શોક સંદેશમાં લખ્યું છે કે ઝારખંડ જેવા દેશના પછાત રાજ્યને વિશ્વ સ્તરે ઓળખ અપાવનાર ટાટા જૂથના પૂર્વ અધ્યક્ષ અને પદ્મવિભૂષણ રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

રતન ટાટાને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. મુંબઈમાં 10 વાગ્યાથી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.

મુંબઈ પોલીસના દક્ષિણ ઝોનના એડિશનલ કમિશનર અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે તેમના પાર્થિવ દેહને સવારે 10 થી બપોરે 3:30 વાગ્યા સુધી દર્શન માટે NCPA ખાતે રાખવામાં આવશે. દર્શન માટે આવનાર તમામ લોકોને અપીલ છે કે ત્યાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તેઓએ પોલીસની સૂચનાનું પાલન કરવું પડશે અને આવતા પહેલા તેમની પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. પોલીસનો સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું, “રતન ટાટાનું નિધન એક યુગનો અંત છે. તેઓ ભારતીય ઉદ્યોગના આધુનિકીકરણ અને તેનાથી પણ વધુ તેના વૈશ્વિકીકરણ સાથે ઊંડે સુધી સંકળાયેલા હતા. હું તેમને મળ્યો છું. ઘણા પ્રસંગોએ તેમની સાથે વાર્તાલાપ કરવાનો આનંદ મળ્યો અને તેમની દૂરંદેશી અને સૂઝબુઝનો લાભ મળ્યો. ઓમ શાંતિ! તેમના નિધનના શોકમાં સમગ્ર રાષ્ટ્ર સાથે જોડાઈએ.

Leave a comment