વિશ્વ મેન્ટલ હેલ્થ ડે નિમિતે જી. કે. જન. અદાણી હોસ્પિ.ના મનોચિકિત્સકોએ કાર્ય સ્થળ પર સ્વસ્થ રહેવા આપ્યા ઉપાય

વિશ્વમાં દર વર્ષે ૧૦મી ઓક્ટોબરના રોજ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે  ઉજવાય છે. એક સર્વેક્ષણ મુજબ વિશ્વમાં મોટાભાગના રોગ માનસિક અસ્વસ્થતાની નીપજ છે. માટે દર વર્ષની જેમ માનસિક રોગના કારણ    અને ઉપાય ઉપર થીમ આપવામાં આવે છે. આ વર્ષે ૨૦૨૪માં ‘કાર્ય સ્થળ ઉપર માનસિક સ્વાસ્થ્યની માવજત’  ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના હેડ ડો. મહેશ ટીલવાણીએ કહ્યું કે, ભારતમાં માનસિક રોગનું પ્રમાણ વધુ છે. ઘણાને ખ્યાલ પણ નથી કે તેમની  અસ્વસ્થતા કે રોગનું કારણ માનસિક ચિંતા છે. દેશમાં આવા ૧૦ ટકા પુખ્ત લોકો છે અર્થાત ૮ થી ૧૦ કરોડ લોકો આ રીતે પીડિત છે અને આ  અસ્વસ્થતામાં કામના દબાણની વાત પણ આવી જાય છે. 

ડો. ટીલવાણી તેમજ અન્ય મનોચિકિત્સક ડો. શિવાંગ ગાંધી અને ડો.રિદ્ધિ ઠક્કરના જણાવ્યા મુજબ ઓફિસની ભાગદોડમાં વર્ક પ્લેસ ઉપર અનેક લોકો ચિંતાનો શિકાર બની જાય છે. ઓફિસમાં બેઠા બેઠા જ ગભરાટ થવા લાગે છે. આવું ઓફિસમાં થાય એટલે તેને વર્ક પ્લેસ એન્ઝાયટી કહે છે. આ એવો સંકેત છે જે  મેન્ટલ હેલ્થ અને કામ ઉપર નકારાત્મક અસર ઊભી કરે છે.

આ પરિસ્થિતિથી કેમ બચવું અથવા તો તેના ઉપાય અંગે તબીબોએ કહ્યું કે, ઓફિસમાં કામ ઉપરાંત અનેક બાબતો અસર કરે છે, જેમ કે સ્થળ ઉપરના સાથીદારોનું વલણ, સ્વનો લાગણીશીલ સ્વભાવ, વિગેરે પણ માનસિક બાબતો પર વિપરીત અસર કરે છે. જેથી ટેન્શન વધી જાય છે અને ગભરાટ ઉત્પન્ન થાય છે. જે કામ આપવાની અને કરવાની ક્ષમતા ઉપર અસર કરે છે. જો આવું થાય તો પ્રથમ તો ચિંતાને શાંત કરવા થોડીવાર ઊંડા શ્વાસ લઈ શકાય છે. 

મન શાંત થાય એટલે વિચારવું જોઈએ કે, આવું કેમ થયું અને શક્ય હોય ત્યાં સુધી તેના નિવારણની કોશિશ કરવી જોઈએ અને કારણો શોધવા જોઈએ. કામના સમયે એવું જણાય તો નાના નાના બ્રેક લઈ શકાય છે. કામને ક્યારેય ભેગું કરવાની કોશિશ ન કરવી. અને તેને શક્ય હોય ત્યાં સુધી જુદા જુદા વિભગોમાં વિભાજિત કરી દેવું. જેથી ટેન્શન પણ નહિ આવે અને કામ પણ સારું થશે. 

સ્થળ ઉપરના કામ સિવાય બીજી બાબતો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકાય જેમ કે, ઘરે કામની ચિંતા નહી કરવી, મિત્રોને મળવું, ફરવું, કુટુંબ સાથે સમય પસાર કરવો. પરંતુ સૌથી મહત્વની બાબત અંગે તબીબોએ કહ્યું કે જરૂરી કામ સિવાય સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. એવું નથી કે કામ જ થકવી દે છે. કોઈપણ બાબતનો અતિરેક પણ વ્યક્તિને થકવી દે છે.  વધુ પડતું મનોરંજન પણ ભારે પડી શકે તેથી ક્યારેક કોઈ કામ ન કરવું એ પણ એક કળા છે. ટૂંકમાં કામની શૈલીને સંતુલિત કરવાની જરૂર છે.

તેમ છતાં પણ ચિંતા હાથથી બહાર જતી લાગે તો મનોચિકિત્સકની સલાહ અચૂક લેવી.

Leave a comment