~ અમેરિકામાં રોજગારના આંકડા સારા આવ્યા બાદ કિંમતી ધાતુમાં પણ જોવા મળેલો નોંધપાત્ર ઘટાડો
ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની જૂન બેઠકની મિનિટસ જાહેર થયા બાદ અમેરિકામાં વ્યાજ દર વધવાની ધારણાં વધુ મજબૂત બની છે. વિશ્વ બજારમાં કિંમતી ધાતુના ભાવ પ્રારંભમાં લગભગ સ્થિર રહ્યા બાદ જૂનના રોજગારના આંકડા અપેક્ષા કરતા ઘણાં સારા આવતા મોડી સાંજે ભાવ તૂટી ગયાનું જોવા મળ્યું હતું. ઘરઆંગણે સોનું મક્કમ રહ્યું હતું જ્યારે ચાંદીમાં રૂપિયા ૧૦૦૦થી વધુનો ઉછાળો આવ્યો હતો. ઘરઆંગણે ફોરેકસ માર્કેટમાં વૈશ્વિક ચલણો સામે રૂપિયાનું ધોવાણ ચાલુ રહ્યું હતું. ડોલર વધી રૂપિયા ૮૨.૫૦ને પાર કરી ગયો હતો.
સ્થાનિક મુંબઈ બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૫૮૬૪૪ સાથે લગભગ સ્થિર રહ્યા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૫૮૪૦૯ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. મુંબઈ ચાંદી .૯૯૯ બુધવારની સરખામણીએ પ્રતિ કિલો રૂપિયા ૧૧૧૬ વધી રૂપિયા ૭૦૮૧૫ કવોટ કરાતા હતા.
અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૬૦૫૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૬૦૩૦૦ સ્થિર રહ્યા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ વધી રૂપિયા ૭૧૫૦૦ બોલાતા હતા. વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ઉપરમાં ૧૯૨૭ ડોલર થઈ બાદમાં મોડી સાંજે ગબડી ૧૯૦૨ ડોલર જોવાયું હતું. જ્યારે ચાંદી ઔંસ દીઠ ૨૩.૨૦ ડોલર થઈ મોડી સાંજે ૨૨.૬૬ ડોલર બોલાતી હતી. અમેરિકામાં જૂનના રોજગારના આંકડા અપેક્ષા કરતા ઘણા જ સારા આવવાને પરિણામે કિંમતી ધાતુમાં વેચવાલીનું દબાણ આવ્યું હતું.
અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોકસ અપેક્ષા કરતા વધુ ઘટીને આવવા છતાં, ક્રુડ તેલમાં ખાસ હિલચાલ જોવા મળી નહોતી. વૈશ્વિક મંદીને કારણે માગ નબળી રહેવાની ધારણાંએ ભાવ દબાયેલા રહે છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૭૧.૫૯ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૭૬.૪૨ ડોલર મુકાતું હતું.
ઘરઆંગણે ફોરેકસ માર્કેટમાં વૈશ્વિક ચલણો સામે રૂપિયાનું ધોવાણ ચાલુ રહ્યું હતું. ડોલર ૨૮ પૈસા વધી ૮૨.૫૧ રૂપિયા રહ્યો હતો.પાઉન્ડ ૪૯ પૈસા વધી ૧૦૫.૦૨ રૂપિયા જ્યારે યુરો ૩પૈસા વધી ૮૯.૬૨ રૂપિયા મુકાતો હતો. આયાતકારો દ્વારા ડોલરની સતત માગને કારણે રૂપિયા સામે ડોલરના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમેરિકામાં વ્યાજ દર વધવાની ધારણાંએ મજબૂત બનવાને કારણે પણ રૂપિયા પર દબાણ આવ્યું હતું.
