ગેઇમ્સના પ્રોફેસર્સએ પ્રિ-ડાયાબિટીસને જાગવાનો સમય ગણાવી, સમયસર તપાસ અને જીવનશૈલીમાં પરિવર્તનથી બચી શકવાનો આપ્યો નિર્દેશ

જો બ્લડ સુગર નોર્મલ કરતાં વધારે હોય, પણ હજુ એટલું વધારે નથી કે, તેને ડાયાબિટીસ કહેવાય. શરીરની આ સ્થિતિને પ્રિ-ડાયાબિટીસ કહેવાય છે. આ સમયે ખાસ કોઈ તકલીફ દેખાતી નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે, આ અવસ્થા ડાયાબિટીસના દરવાજે ટકોરા મારતી હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ “ડાયાબિટીસ પર વહેલી કાર્યવાહી કરવા” વિચાર (થીમ) પ્રસ્તુત કર્યો છે.

પ્રિ-ડાયાબિટીસ એટલે શું?

અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફે. ડો.દેવિકા ભટ્ટ અને ડો.કશ્યપ બુચે વિશ્વ ડાયાબિટીસ ડે નિમિતે કહ્યું કે, સૌથી પહેલાં એક ગેરસમજ દૂર કરવી જરૂરી છે કે, પ્રિ-ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ છે, એવું નથી. પરંતુ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ છે અને ડાયાબિટીસના નિર્ધારિત સ્તર સુધી પહોંચ્યું નથી. આ રીતે શરીર ડાયાબિટીસની આગોતરી ચેતવણી આપે છે. યોગ્ય જીવનશૈલી અપનાવીને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે તો કેટલાકમાં બ્લડ સુગર ફરી સામાન્ય થઈ શકે છે.

પ્રિ-ડાયાબિટીસ અને મેટાબોલિક સમસ્યાનો સંબંધ:

પ્રિ-ડાયાબિટીસ માત્ર બ્લડ સુગરની સમસ્યા નથી. પણ ક્યારેક શરીરમાં ઇન્સ્યુલિન પર્યાપ્ત માત્રામાં નથી બનતું. આ ઇન્સ્યુલીન રક્તમાં મોજુદ ગ્લુકોઝને કોશિકાઓ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જ્યાં તેનો ઉપયોગ ઉર્જા માટે થાય છે. એટલે કે શરીરના કોષો ઇન્સ્યુલિનને યોગ્ય પ્રતિભાવ આપતા નથી. તેથી તેની કમીથી રક્તમાં શુગરનું પ્રમાણ વધે છે. તે પ્રિ.ડાયાબિટીસ છે. સાથે પેટની ચરબી, વધતું બ્લડ પ્રેશર, ટ્રાઇગ્લિસરાઇડ્સ અને સારા કોલેસ્ટેરોલનું ઓછું પ્રમાણ જેવી મેટાબોલિક સમસ્યાઓ પણ જોવા મળી શકે છે.

કોણે સાવધાની રાખવી:

જોકે પ્રિ-ડાયાબિટીસમાં સામાન્ય રીતે કોઈ સ્પષ્ટ લક્ષણો હોતાં નથી. વ્યક્તિને કોઈ તકલીફ ન હોવા છતાં તેનું બ્લડ સુગર વધી શકે છે. તેથી માત્ર તરસ લાગવી, વારંવાર પેશાબ થવો કે થાક લાગવો તેની રાહ જોવી યોગ્ય નથી. પરંતુ તપાસ મહત્ત્વપૂર્ણ છે; જો પ્રિ.ડાયાબિટીસનો પારિવારિક ઇતિહાસ હોય, પેટ અને કમર આસપાસ વિશેષ ચરબી જમા થઈ હોય, ઉચ્ચ રક્તચાપ અને અસાધારણ કોલેસ્ટ્રોલ તથા ટ્રાયગ્લિસરીન અને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસનો ઇતિહાસ હોય તેમણે સાવચેતી રાખવી. આવી સ્થિતિમાં નિયમિત તપાસ અને સ્ક્રીનીંગ જરૂરી છે. તેમાં જો પ્રિ ડાયાબિટીસ જણાય તો તબીબની સલાહ મુજબ નિયમિત સુગર લેવલ ચકાસતા રહેવું.

પ્રિ.ડાયાબિટીસ હોય તો આટલું કરો:

પ્રિ ડાયાબિટીસની અસર તળે વજન ઓછું કરવું. તબીબની સલાહ મુજબ વ્યાયામ, અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ માંસપેશી મજબૂત બનાવતી કસરત કરવી, સંતુલિત આહાર, ઊંઘ પૂર્તિ લેવા ઉપરાંત તણાવ ઓછો કરવો અને યોગ, ધ્યાન અને દિનચર્યા નિયમિત રાખવી અત્યંત જરૂરી છે. પ્રિ. ડાયાબિટીસ હોય તેમને ડાયાબિટીસ ન થાય પરંતુ hbA1સી અને ફાસ્ટિંગ સુગર વધવાથી તેની સંભાવના વધી જાય છે. ICMR ના અહેવાલ પ્રમાણે ભારતમાં અંદાજે ૧૪ કરોડ લોકોને પ્રિ. ડાયાબિટીસ છે.

Leave a Reply